Site icon Revoi.in

SGVPના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગનો અમિત શાહે કરાવ્યો પ્રારંભ

Social Share

અમદાવાદઃ શહેરના એસ જી હાઈવે પર આવેલા છારોડી SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ પર ગાંધીનગર પ્રીમિયર લીગને પ્રારંભ  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો હતો. સાંસદ ખેલકૂદ સ્પર્ધા અંતર્ગત SGVP કેમ્પસ ખાતે યોજાયેલી ‘ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ’માં ગાંધીનગર લોકસભા વિસ્તારની 1078 ટીમો ભાગ લેશે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ટ્રોફીનું અનાવરણ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી તથા ગાંધીનગર ઉત્તર અને ઘાટલોડિયા વચ્ચેની પ્રથમ મેચ નિહાળી હતી.

ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગનું અમદાવાદના SGVPના ક્રિક્રેટ ગ્રાઉન્ડ પર ઉદઘાટન કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 2036ની ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં જ યોજાશે અને 2047માં ભારત પોતાની આઝાદીની શતાબ્દી મનાવી રહ્યું હશે. ત્યારે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલમાં ભારત ટોપ પર હશે એની ખાતરી છે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લાં 10 વર્ષમાં અન્ય ક્ષેત્રોની જેમ રમતગમત ક્ષેત્રે પણ ખૂબ જ વિકાસ જોવા મળ્યો એનાં ભવ્ય પરિણામ આગામી 25 વર્ષોમાં જોવા મળશે.

આધુનિક સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, સઘન તાલીમ, પારદર્શક પસંદગી વ્યવસ્થા, એથ્લેટ્સના સ્વાસ્થ્યની વિશેષ કાળજી થકી રમતવીરોને પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જોવા મળ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતીય ખેલાડીઓના પર્ફોર્મન્સમાં આવેલા સુધારાનો વિશેષ ઉલ્લેખ કરીને કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ઓલિમ્પિકમાં આપણે માત્ર બે મેડલ જીતતા હતા, તાજેતરમાં સાત મેડલ જીત્યા છીએ. પેરાલિમ્પિકમાં પહેલા આપણે 4 મેડલ જીત્યા હતા, જેની સામે 2020માં પેરાલિમ્પિકમાં આપણે 19 મેડલ જીત્યા. એશિયન ગેમ્સમાં 57ની સામે 2023માં 107 મેડલ જીત્યા છીએ. પેરા એશિયન ખેલમાં 33ની સામે 2022માં આપણે 111 પદક હાંસલ કર્યા છે. કોમનવેલ્થમાં 15 ગોલ્ડ મેડલની સામે દેશના ખેલાડીઓ હવે 26 ગોલ્ડ મેડલ જીતી લાવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, PM મોદીએ સ્પોર્ટ્સ ક્ષેત્રે જે પાયો નાખ્યો છે, તેના પર ભવ્ય ઈમારત ચણાશે, જેમાં દેશની રાજ્ય સરકારોની સાથે સાથે દેશના યુવાનોનું મહત્ત્વપૂર્ણ યોગદાન હશે. દેશના રમતવીરો વિશ્વમાં નામના અપાવશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં સંપન્ન થયેલી ગાંધીનગર સાંસદ ખેલકૂદ સ્પર્ધાની વાત કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, કુલ 37,800 ખેલાડીઓએ જુદી જુદી 42 રમતોમાં ભાગ લીધો હતો. આ 42 રમતમાં ક્રિકેટનો સમાવેશ નહોતો કરાયો, જેથી યુવાનોને ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો શીખવે એવી દેશી રમતોને પૂરતું પ્રોત્સાહન મળે. આજથી શરૂ થવા જઈ રહેલી ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગમાં 1078 ટીમો ભાગ લઈ રહી છે અને 16,100 ખેલાડીઓ રમવાના છે, જે રાજ્યમાં વધી રહેલા સ્પોર્ટ્સ કલ્ચરને દર્શાવે છે.

સાંસદ ખેલકૂદ સ્પર્ધા અને સાંસદ જન મહોત્સવ અંગે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં જન ભાગીદારીથી જન વિકાસને સાકાર કરવા અને કલ્ચર, સ્પોર્ટ્સ તથા હેલ્ધી લાઈફ સ્ટાઈલને પ્રમોટ કરવાના હેતુસર સાંસદ જન મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ‘ખેલે તે ખીલે’ના સૂત્ર સાથે વડાપ્રધાનએ શરૂ કરાવેલી સાંસદ ખેલ કૂદ સ્પર્ધા અંતર્ગત GLPL જેવી સ્પર્ધાઓ યોજાઈ રહી છે.