Site icon Revoi.in

ઈફ્કોની ચૂંટણીમાં બિપીન ગોતાની સામે રાદડિયાએ ફોર્મ ભરતા અમિત શાહે જયેશ સાથે કરી બેઠક

Social Share

રાજકોટઃ રાજ્યમાં સહકારી સંસ્થાઓમાં પણ હવે જુથવાદ જોવા મળી રહ્યો છે. રાજ્યની મોટાભાગની સહકારી સંસ્થાઓ ભાજપ હસ્તક છે. અને સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં હવે તો ભાજપ દ્વારા મેન્ડટ આપવામાં આવે છે. ત્યારે સહકારી સંસ્થાઓમાં ભાજપના જ નેતાઓ પ્રતિસ્પર્ધી બનતા હોય છે. દેશની અગ્રણી એવી ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપ દ્વારા બિપીન ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યું છે. ત્યારે ભાજપના નેતા અને સહકારી અગ્રણી જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભરતા સહકારી ક્ષેત્રનો રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન ભાજપના દિગજ્જ ગણાતા નેતા કેન્દ્રિય સહકાર મંત્રી અમિત શાહ તથા ઈફ્કોના ચેરમેન દિલિપ સંઘાણીએ જયેશ રાદડિયાના નિવાસસ્થાને દોડી ગયા હતા. અને દોઢ કલાક બંધબારણે બેઠક કરી હતી.

ઇફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપે બિપિન પટેલ(ગોતા)ને મેન્ડેટ આપ્યો હોવા છતાં હાલના ડિરેક્ટર જયેશ રાદડિયાએ પાર્ટીના નિર્ણયથી ઉપરવટ જઈ ફોર્મ ભરતાં સહકારી ક્ષેત્રનું રાજકારણ પણ ગરમાયું છે. જોકે શનિવારે અમિત શાહ અને ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી જયેશ રાદડિયાના નિવાસસ્થાને દોડી ગયા હતા, બંધબારણે થયેલી બેઠકમાં શું નિર્ણય લેવાયો તે જાણવા મળ્યું નથી.

સહકારી ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 9 મેના રોજ ઇફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની રોજ યોજાનારી ચૂંટણીમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે ભાજપ તરફથી ગુજરાતના ઉમેદવાર તરીકે સહકાર સેલના વડા બિપિન પટેલ (ગોતા)ને મેન્ડેટ આપવામાં આવ્યો છે. જોકે આમ છતાં મેન્ડેટની ઉપરવટ જઈ પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ફોર્મ ભરતા સહકારી માહોલ ગરમાયો છે. દરમિયાન શનિવારે કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહની રાજકોટના જામકંડોરણા ખાતેની મુલાકાત સૂચક સાબિત થઇ હતી. ચૂંટણી જાહેર સભામાં પણ અમિત શાહે જયેશ રાદડિયાના પિતા વિઠ્ઠલ રાદડિયાને યાદ કરી સહકારીક્ષેત્રે મૂળિયાં ઊંડાં કર્યાં હોવાનું તેમજ તેનો સહકારી ક્ષેત્રનો વારસો જયેશ રાદડિયાએ આગળ વધાર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ સભા બાદ જયેશ રાદડિયાના નિવાસસ્થાને અમિત શાહ અને ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ દોઢ કલાક સુધી રોકાણ કરી ચર્ચાવિચારણાઓ પણ કરી હતી. શાહની સભા પોરબંદર લોકસભા સીટ માટે હતી, આમ છતાં સંઘાણી અમરેલીથી જામકંડોરણા દોડી આવ્યા હતા. એની પાછળનું સૌથી મોટું કારણ ઇફ્કોની ચૂંટણી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આમ, હવે આ બેઠકમાં જયેશ રાદડિયાનું નામ લગભગ નક્કી થઈ ગયું હોય એમ માનવામાં આવી રહ્યું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઇફ્કો બોર્ડ ઓફ ડિરેક્ટરની ગુજરાતની સીટ પર આગામી મેં મહિનામાં ચૂંટણી યોજાવાની છે ત્યારે આ માટે હાલના ડિરેક્ટર જયેશ રાદડિયાએ પાર્ટીની ઉપરવટ જઈને મેન્ડેટ ન મળવા છતાં ફોર્મ ભર્યું હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે.