અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કોરણે વિકટ સ્થિતિ ઊભી થઈ છે. રોજ-બરોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેમાં હોસ્પિટલમાં બેડથી લઈને ઓક્સિજન અને દવાઓની અછત ઊભી થઇ હતી. રાજ્યમાં વકરી રહેલા કોરોનાની સ્થિતિને પગલે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પોતાના હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમિત શાહે ગુજરાતની સ્થિતિ અંગે મુખ્યપ્રધાન સહિત પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં અધિકારીઓને આડે હાથ લીધા હતા.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ રોજ-બરોજ વધારે વિકટ બની રહી છે. સરકાર તમામ તબક્કે નિષ્ફળ સાબિત થઇ રહી હોય તેવી ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યપ્રધાન સાથે હાઇલેવલ બેઠક બોલાવી હતી. આ બેઠકમા દર્દીઓને પડતી હાલાકીથી અમિત શાહ ખુબ નારાજગી વ્યકત કરી હતી.આ બેઠકમાં તેમણે ઉચ્ચ અધિકારીઓની ઝાટકણી કાઢી હોવાનું પણ જાણવા મળ્યું છે.રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસોની સાથે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિના મામલે એક કલાકથી પણ વધારે લાંબી ચાલેલી બેઠકમાં તેમણે અધિકારીઓની ઝાટકણી કાઢતા કહ્યું કે, હોસ્પિટલમાં દર્દીઓની લાઇનો લાગી રહી છે. તેમના સુધી દવા અને સારવાર કયા કારણથી નથી પહોંચી રહી. દાખલ થવા માટે લોકો દિવસો સુધી ઊભા રહે છે. વ્યવસ્થા કેમ પુરી પાડવામાં નથી આવી રહી. તે મુદ્દે અધિકારીઓને આડે હાથ લીધા હતા. દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા વેઈટિંગ સમય ઘટાડવા માટે પણ તેમણે તાકીદ કરી હતી.
આ ઉપરાંત અમિત શાહે અધિકારીઓને જનપ્રતિનિધિ સાથે પણ સંવાદ કરવા માટે સૂચના આપી હતી. ગુજરાતમાં દર્દીઓને પડતી હાલાકીથી અમિત શાહ ખુબ જ નારાજ થયા હોવાનું જાણવા મળ્યું હતું. અમિત શાહે ઉચ્ચ અધિકારીઓની ઝાટકણી કાઢી હોવાનું કહેવાય છે.