અમદાવાદમાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત આજે અમિત શાહના હસ્તે કરાશે
અમદાવાદઃ શહેરના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 20.39 એકર જમીનમાં રૂ.631.77 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આજે રવિવારે સાંજે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાતમુહૂર્ત કરશે. ખાતમુહૂર્તના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના શહેરના ધારાસભ્યો, પદાધિકારીઓ, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના નારાણપુરા વિસ્તારમાં બનનારા વિશ્વકક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે, જેના માટે કેન્દ્ર સરકારના નાણાં વિભાગે પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર તરફથી ગુજરાત સરકારને ગ્રાન્ટ ફાળવવામાં આવશે, રાજ્ય સરકાર કેન્દ્રીય ગ્રાન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે રૂ.631 કરોડથી વધુના ખર્ચે બનનારા આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કેન્દ્રીય ગૃહમંત્રીને હસ્તે રવિવારે ખાતમુહૂર્ત કરવામાં આવશે. 300 લોકો રહી શકે એવી વ્યવસ્થા, સ્વિમિંગ પૂલ વગેરે બનાવવામાં આવશે. આખા પ્રોજેકટને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં એક્વાટિક કોમ્પ્લેક્સ, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેટ રહેશે. 850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક થઈ શકે એવું પાર્કિગ બનાવાશે. ખેલાડીઓ અને પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા રહે એના માટે શહેરની વચ્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે.
કેન્દ્રિય ગૃહમંત્ર અમિત શાહના હસ્તે આજે રવિવારે સાંજે નારાણપુરામાં નવનિર્મિત સ્પોર્ટ કોમ્પ્લેક્સના બિલ્ડિગ માટે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચર્ચા કરવા મેયરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં ભાજપના તમામ કોર્પોરેટરો હાજર રહ્યા હતા. ખાતમુહૂર્તના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરોને એકઠા કરાશે. (પ્રતિકાત્મક તસવીર)