અમિત શાહ 10મીથી 3 દિવસ ગુજરાતના પ્રવાસેઃ રથયાત્રા પૂર્વેની મંગળા આરતીમાં ભાગ લેશે
અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 10મી જુલાઈએ અમદાવાદ આવશે. 11મી તારીખે તેઓ શહેરમાં કેટલાક લોકાર્પણના કાર્યક્રમોમાં હાજરી આપશે. અષાઢી બીજના દિવસે દરવર્ષની જેમ આ વર્ષે પણ તેઓ જગન્નાથજીના મંદિરમાં રથયાત્રા પહેલાની મંગળા આરતીમાં પરિવાર સાથે ભાગ લેશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10મી જુલાઈએ સાંજે અમદાવાદ પહોંચશે. બાદ 11મી જુલાઈએ સાણંદ APMC ખાતે લોકાર્પણ અને ખાત મુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. સાથે જ તેઓ સાઉથ બોપલમાં સિવિક સેન્ટરનું લોકાર્પણ કરશે. 12મી જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે સવારે જગન્નાથજી મંદિરમાં રથયાત્રા પહેલાની મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે.
ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજવા મામલે જમાલપુર મંદિર અને પોલીસ દ્વારા સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રથયાત્રામાં પોલીસ તરફથી દર વર્ષે જે રીતે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે તેના કરતાં અલગ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. રથયાત્રાના રૂટ પર અંદર આવવાના રસ્તાઓને લોક કરવામાં આવશે. રૂટ પર આવવાના રસ્તાઓ પર વધુ બંદોબસ્ત રાખવામાં આવશે.