દિસપુર: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ 10-11 એપ્રિલ, 2023ના રોજ અરુણાચલ પ્રદેશની મુલાકાતે છે. તેમની મુલાકાતના પ્રથમ દિવસે તેઓ અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના સરહદી ગામ કિબિથૂમાં 10 એપ્રિલ, 2023 ના રોજ ‘વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’નો પ્રારંભ કર્યો.આ ઉપરાંત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું.ત્યારે આજરોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના ડિબ્રુગઢમાં જાહેર સભાને સંબોધશે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે રાજ્યના ડિબ્રુગઢમાં જાહેર સભાને સંબોધશે. ભાજપના મુખ્ય વ્યૂહરચનાકાર મનાતા શર્માએ સોમવારે શાહનું ડિબ્રુગઢ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું, ત્યારબાદ શાહ પડોશી અરુણાચલ પ્રદેશ જવા રવાના થયા હતા.
શર્માએ ટ્વીટ કર્યું કે, “આસામની ધરતી પર ગૃહમંત્રી અમિત શાહ જીનું અભિવાદન કરવું હંમેશા સુખદ અનુભૂતિ હોય છે. ડિબ્રુગઢ એરપોર્ટ પર તેમના આગમન પર તેમનું સ્વાગત કરીને આનંદ થયો. તેઓ આજે અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે અને આસામ બીજેપી જિલ્લા કાર્યાલયનો શિલાન્યાસ કરશે, ઉપરાંત આવતીકાલે ડિબ્રુગઢમાં એક જાહેર સભાને સંબોધશે.
મુખ્યમંત્રીએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભાવેશ કલિતા સાથે પણ બેઠકની તૈયારીઓની સમીક્ષા કરી હતી. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે શર્મા ઉપરાંત કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને રામેશ્વર તેલી પણ બેઠકમાં હાજર રહેશે. આ મુલાકાત દરમિયાન શાહ ઉપલા આસામ માટે ભાજપના પ્રદેશ કાર્યાલયનું ભૂમિપૂજન પણ કરશે.
11 એપ્રિલ, 2023ના રોજ એટલે કે આજરોજ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર પ્રધાન નમતી ક્ષેત્રની મુલાકાત લેશે અને વાલોંગ યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપશે.