Site icon Revoi.in

કોરોનાની સ્થિતિ વિકટ બનતા અમિત શાહ આજે અમદાવાદ આવશેઃ સરકારને માર્ગદર્શન આપશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિકટ બનતી જાય છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવી રહ્યા છે. શાહ મોડી રાત સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર આવી શકે છે. સૂત્રના કહેવા મુજબ અમિત શાહ 24 એપ્રિલે GMDC ખાતેની નવી કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન કરશે, સાથે જ રાજ્યમાં ચાલી રહેલી કોરોના મહામારીની પરિસ્થિતિની સમીક્ષા પણ કરશે તેમજ આરોગ્ય વિભાગ સાથે બેઠક પણ કરી શકે છે.

કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને દર્દીઓને સારામાં સારી સારવાર આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સરકારે ભારત સરકારના ગૃહ મંત્રાલયના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની સંપૂર્ણ સુવિધાસજ્જ ડેડિકેટેડ કોવિડ કેર હોસ્પિટલ ઊભી કરવાની અભૂતપૂર્વ પહેલ કરી છે.

રાજ્ય સરકારની વિનંતી પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ 900 બેડની કોવિડ હોસ્પિટલમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસમાંથી 25 ડોક્ટર્સ તથા 75 પેરામેડિક્સનો સ્ટાફ નિયુક્ત કરશે. અમદાવાદમાં હવે કોમ્યુનિટી હોલમાં પણ કોવિડ કેસ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે. નારણપુરા વિસ્તારમાં આવેલા ડી.કે. પટેલ હોલમાં ઓક્સિજન બેડ સાથે 70 જેટલાં બેડ સાથે કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં રહ્યું છે. આજે સવારે કોવિડ કેર સેન્ટર માટે ઓક્સિજન અને બેડ લગાવવામાં આવી રહ્યાં છે.

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 24મી એપ્રિલના રોજ આ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે અમિત શાહ દ્વારા આ કોવિડ કેર સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવી શકે છે.