અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવતીકાલે સાંજે અમદાવાદ આવી રહ્યાં છે. તેઓ રવિવારે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મતાધિકારનો પણ ઉપયોગ કરશે. આ ઉપરાંત તેઓ આવતીકાલે સાંજે ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરે તેવી શક્યતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિત છ કોર્પોરેશનમાં તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. મતદાન કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવી રહ્યાં છે. રવિવારે અમિત શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નારણપુરા વોર્ડમાં મતદાન કરશે. આ ઉપરાંત તેઓ અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિમની મુલાકાત પણ લે તેવી શકયતા છે. આ સ્ટેડિયમ ઉપર તા. 24મી ફેબ્રુઆરીના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે.
અમદાવાદની મુલાકાતે આવતીકાલે આવી રહેલા અમિત શાહ ભાજપના ટોચના નેતાઓ અને કાર્યકરો સાથે મુલાકાત કરે તેવી શકયતા છે.