- AMC કચરામાંથી પ્રતિ કલાક 15 મેગા વોટ વીજ ઉત્પન્ન કરશે,
- શહેરના ગ્યાસપુરમાં સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ,
- પ્રતિદિન 360 મોગાવોટ વીજી ઉત્પન્ન થશે
અમદાવાદઃ વેસ્ટ ટુ એનર્જી પ્રોજેકટ અંતર્ગત અમદાવાદ મ્યુનિ કોર્પોરેશને કચરામાંથી વીજ ઉત્પાદન કરવાનો પ્લાન્ટ કાર્યરત કર્યો છે. જેમાં 1000 ટન કચરામાંથી પ્રતિ કલાકે 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આવતી કાલે 1લી નવેમ્બરના રોજ કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાના પ્લાન્ટનું લોકાર્પણ કરાશે.
અમદાવાદ શહેરમાંથી રોજનો 5000 મેટ્રિક ટન જેટલો કચરો એકત્રિત થાય છે. જે કચરો પીરાણા ખાતે ડમ્પિંગ સાઈટ પર ઠાલવવામાં આવે છે, તેનું પ્રોસેસ કરી કચરાનો નિકાલ કરવામાં આવે છે. એકત્રિત થતા કચરામાંથી રોજના 1000 મેટ્રિક ટન કચરાને પ્રોસેસ કરી ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કાલે શુક્રવારે લોકાર્પણ કરવામાં આવશે. PPP ધોરણે બનાવવામાં આવેલા આ પ્લાન્ટનું જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા સંચાલન કરવામાં આવશે. આ પ્લાન્ટના કારણે ઉત્પન્ન થતી વીજળી ગુજરાત ઉર્જા વિકાસ નિગમને પણ એજન્સી દ્વારા રૂ. 6.31 પ્રતિ કિલો વોટના ભાવે આપવામાં આવશે.
એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર કચરો શહેરમાંથી એકત્રિત કરી પીરાણા ડમ્પ સાઇટ ખાતે લાવવામાં આવે છે, જેની અલગ-અલગ પ્રોસેસ કરવામાં આવે છે. ગુજરાતનો સૌથી મોટો કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવા માટેનો પ્લાન્ટ પીરાણા ગ્યાસપુર નજીક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ કંપની સાથે PPP ધોરણે બનાવવામાં આવેલો છે. જેનું કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે 1 નવેમ્બરના રોજ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કચરામાંથી પ્રતિ કલાક 15 મેગા વોટ એટલે કે રોજની 360 વોટ વીજળી ઉત્પન્ન થશે.
પ્રોસેસ બાબતે વધુમાં દાણીએ જણાવ્યું હતું કે, એજન્સી દ્વારા મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને આરડીએફ બેઈઝ ઈન્સીનરેશન ટેકનોલોજીની મદદથી બોઈલરમાં મ્યુનિસિપલ વેસ્ટ ઈન્સીનરેટ કરી 65 TPH સ્ટીમ જનરેટ કરવામાં આવશે. આ સ્ટીમ વડે 15 મેગા વોટ પ્રતિ કલાક કેપેસીટીનાં ટર્બાઈન મારફતે 15 મેગા વોટ પ્રતિ કલાક વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. આમ, કુલ 1000 મેગા ટન ધન કચરામાંથી દૈનિક ધોરણે 360 મેગા વોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે, જે પાવર ગ્રીડમાં સપ્લાય કરવામાં આવશે.