Site icon Revoi.in

અમદાવાદમાં કાલે મંગળવારે તિરંગા યાત્રામાં અમિત શાહ જોડાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગામેગામ તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં આવતીકાલે તા.13મી ઓગસ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં ગૃહમંત્રી અમિત શાહ જોડાશે.

દેશની આઝાદીની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના ચાર મોટા શહેરોમાં તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કાલે 13 ઓગષ્ટના રોજ અમદાવાદમાં નીકળનારી તિરંગાયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ જોડાશે. આવતી કાલે મંગળવારે અમદાવાદ શહેરના પુર્વ વિસ્તારમાં વિરાટનગરથી સાંજે 4 વાગ્યાની આસપાસ આ તિરંગાયાત્રા શરૂ થશે. જે 3 કી.મી.નું અંતર કાપીને નિકોલ સ્થિત ખોડીયાર મંદિર સુધી જશે. આ તિરંગા સમગ્ર રૂટ પર એક હજારથી વધુ પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.

અમદાવાદમાં કાલે યોજાનારી તિરંગા યાત્રામાં સ્કુલ બોર્ડના શિક્ષકો અને વિદ્યાર્થીઓ 2151 ફુટ લાંબો તિરંગો લઈને તિરંગા યાત્રામાં સામેલ લોકોની સાથે ચાલશે. તેમજ મ્યુનિસિપલ સ્કુલના બાળકો દ્વારા વિવિધ વેશભૂષા કરવામાં આવશે. 3 કી.મી. લાંબી આ તિરંગા યાત્રાના રૂટ પર આવતી તમામ સોસાયટીના રહીશો પણ જોડાશે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તિરંગા યાત્રાના રૂટ પરના રસ્તાનું રિપેરીંગ, ફુટપીથ પર કલરકામ તેમજ રૂટ પર આવતા સર્કલોને તિરંગા રોશનીથી શણગારવામાં આવ્યા છે. એટલું જ નહીં રૂટ પર 10 જગ્યાએ દેશના અલગ અલગ રાજયોની સાંસ્કૃતિક ઝાંખી દર્શાવતા સ્ટેજ ઉભા કરવામાં આવ્યા છે.