Site icon Revoi.in

અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે, 28મી યોજાનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં રહેશે ઉપસ્થિત

Social Share

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તા. 28મી ઓગસ્ટના રોજ આયોજીત વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ઉપસ્થિત રહશે. આ ઉપરાંત તેઓ અન્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી શકયતા છે. વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના ટોપના નેતાઓ સાથે મીટીંગ કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

ગાંધીનગરમાં 28 ઓગસ્ટના રોજ હોટલ લીલા ખાતે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં મળવાની છે. જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભાગ લેવાના છે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક દર બે વર્ષે મળતી હોય છે. જો કે કોરોનાના સમયગાળા દરમિયાન આ બેઠકનો ક્રમ જળવાઇ શક્યો ન હતો. જે પછી આ બેઠક ફરી મળવાનું શરુ થયુ છે. ત્યારે ફરીએક વાર આ બેઠક ગાંધીનગરમાં મળવા જઇ રહી છે. ત્યારે આ બેઠક 28 ઓગસ્ટે સવારે 10 વાગ્યે શરુ થવાની છે. આ બેઠક બપોરે 2 કલાક સુધી ચાલશે. આ બેઠકમાં ભાગ લેવા માટે અમિત શાહ 27મી ઓગસ્ટના રોજ સાંજે હવાઈ માર્ગે અમદાવાદ આવી પહોંચશે.

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી લીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાત દરમિયાન રાજ્યના ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરશે. તેમજ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરે તેવી શકયતાઓ પણ વ્યક્ત થઈ રહી છે.