- અમિત શાહ 21-22 એપ્રિલે લેશે કર્ણાટકની મુલાકાત
- દાવણગેરે અને દેવનહલ્લીમાં કરશે રોડ શો કરશે
- કર્ણાટકમાં 10 મેના રોજ યોજાશે મતદાન
દિલ્હી : કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશનની પ્રક્રિયા ગુરુવારે સમાપ્ત થયા પછી રાજ્યમાં તેમના પ્રથમ રાજકીય કાર્યક્રમના ભાગ રૂપે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 21 અને 22 એપ્રિલના રોજ દાવણગેરે અને દેવનહલ્લીમાં રોડ શો કરશે. આ દરમિયાન તેઓ બેંગલુરુમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સંગઠન સ્તરની બેઠકોમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે ભાજપ હાલમાં રાજ્યમાં સત્તા પર છે અને તેને જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે.
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે શાહ 20 થી 23 એપ્રિલ સુધી કર્ણાટકના પ્રવાસે હશે અને તેલંગાણાના ચેવલ્લા લોકસભા મતવિસ્તારમાં આયોજિત રાજકીય કાર્યક્રમમાં ભાગ લેવા માટે છેલ્લા દિવસે પડોશી રાજ્ય જવા રવાના થશે. તેમણે કહ્યું કે શાહનો રોડ શો કર્ણાટકમાં પાર્ટીના લોકો સાથે જોડાવાના અભિયાનને વેગ આપશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર શાહ રાજ્યના કેટલાય નેતાઓ સાથે બેઠક કરશે જેમને ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે અને ચૂંટણીની રણનીતિ પર પણ વિચારમંથન કરશે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકની 224 સભ્યોની વિધાનસભા માટે 10 મેના રોજ મતદાન થશે. રાજ્યમાં ભાજપની મુખ્ય સ્પર્ધા કોંગ્રેસ સાથે છે અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાનું જનતા દળ (સેક્યુલર) પણ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે,ગૃહ પ્રધાન અમિત શાહ બુધવારે એટલે કે આજરોજ રાષ્ટ્રીય રાજધાનીમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs) ના વડાઓની પ્રથમ રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે.