નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે પોતાના મતવિસ્તારમાં જંગી રોડ-શો કર્યો હતો. દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જે શહેરની દિવાલો ઉપર ક્યારેક પોસ્ટર લગાવતો હતો આજે અહીંથી પ્રજા માન આપી રહી છે. પ્રિયંકા ગાંધીના નિવેદનનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, જ્યાંરે આપ કંઈ કરી નથી શકતા ત્યારે ઈવીએમને દોષ આપે છે. જ્યારે કોંગ્રેસની તેલંગાણા અને હિમાચલમાં સરકાર બની ત્યારે ઈવીએમ ઠીક હતા. હવે હાર દેખાઈ રહી છે એટલે આવા આક્ષેપ કરે છે.
રાહુલ ગાંધીના આરોપનો જવાબ આપતા અમિત શાહે જણાવ્યું હતું કે, હવે કોંગ્રેસમાં જ તેમને કોઈ ગણતુ નથી. સમગ્ર દેશમાં ભાજપા સામે કોઈ પડકાર નથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 400થી વધારે બેઠકો ઉપર જીતીને ફરીને એકવાર વડાપ્રધાન બનશે.
ગાંધીનગરથી ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રચારના શ્રીગણેશ કર્યા છે. અમદાવાદ જિલ્લાના સાણંદ અને ગાંધીનગર કલોલમાં તેમણે જંગી રોડ શૉ યોજ્યો હતો. સૌથી પહેલા અમિત શાહ સાણંદ પહોંચ્યા હતા. અહીં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારબાદ સાણંદ એપીએમસી માર્કેટ પાસેથી અમિત શાહનો રોડ શૉ શરૂ થયો હતો. જે મુખ્ય બજાર, બસ સ્ટેશન પરથી પસાર થઈ નળ સરોવર રોડ ખાતે પૂર્ણ થય હતો.
રસ્તાની બંને બાજુ અમિત શાહને આવકારવા માટે લોકોની ભીડ ઉમટી હતી. સાણંદમાં રોડ શૉ પૂર્ણ કર્યા બાદ અમિત શાહ ગાંધીનગરના કલોલ પહોંચ્યા હતા. અહી જે.પી. ગેટ પરથી રોડ શૉની શરૂઆત થઈ હતી. બાદમાં રોડ શૉ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, ભવાની નગર ચાલી, ખૂની બંગલા તળાવ સહિતના વિસ્તારમાંથી પસાર થઈ ટાવર ચોક ખાતે પૂર્ણ થયો હતો.
રોડ શૉમાં અમિત શાહની સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ જોવા મળ્યા હતા. કલોલ બાદ અમિત શાહ સાંજે અમદાવાદના રાણીપથી જીવરાજ પાર્ક સુધી રોડ શૉ કરશે.