અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત ઉભી થઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોવિડ બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની મુલારાત લીધી હતી. ગુજરાત યુનિવર્સિટી કન્વેનશન હોલમાં DRDO દ્વારા બનાવાયેલી 900 બેડની હંગામી હોસ્પિટલનું નિરીક્ષણ કર્યુ હતુ. આ ઉપરાંત તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. તેમજ યોગ્ય આયોજનના અભાવે પરિસ્થિતિ સર્જાઈ હોવાનું જણાવીને અધિકારીઓને કેટલાક સૂચનો કર્યા હતા. દર્દીને દાખલ કરવા માટેની પ્રોસીજરમાં ઝડપ લાવવા, જરૂર પડે વધારાની વ્યવસ્થા પણ ઊભી કરવા તાકીદ કરી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં ગુજરાતમાં તમામ પ્રકારની સુવિધા હોવા છતા અસુવિધા હોવાનુ ચિત્ર કેમ ઉપસી રહ્યુ છે તેવો સવાલ કર્યો હતો. ગુજરાતની વિવિધ હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સની લાઈન કેમ લાગે છે તેવો સવાલ કરીને દર્દીને દાખલ કરવા માટે જરૂરી જે કોઈ કાર્યવાહી હાથ ધરાય છે તેમાં ઝડપ લાવવા ટકોર કરી હતી. અત્યાર સુધી હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સની જે લાઈનો લાગી છે તે ભૂતકાળ બની જવો જોઈએ. તેમ પણ તેમણે જણાવ્યું હતું.
આવી કપરી સ્થિતિમાં ગુજરાત રાજ્યની સખાવતી સંસ્થાઓનો કેમ અત્યાર સુધી સંપર્ક નથી કરાયો. તેવો પણ સવાલ કરીને, રાજ્યમાં ગમે તેવી સ્થિતિમાં સખાવત કરતી સંસ્થાઓનું સંકલન કરીને તેમના દ્વારા વધુને વધુ કોવિડ કેર સેન્ટર ઊભા કરવા અને તેની દેખરેખ રાખવાની જવાબદારી સખાવતી સંસ્થાઓને સોંપવા અને સખાવતી સંસ્થાઓને પડતી મુશ્કેલી દુર કરવા બે ચાર સંસ્થા દીઠ નોડલ ઓફિસર નિમવા તાકીદ કરી હતી.