મુંબઈ:બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, અભિનેતા ધર્મેન્દ્ર અને દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જેને પગલે મુંબઈમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.નાગપુર પોલીસ કંટ્રોલ રૂમમાં એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો જેમાં મોટી હસ્તીઓના ઘરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.આ ફોન કોલ બાદ મુંબઈ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.ફોન કરનારે ધમકી પણ આપી હતી કે 25 લોકો દાદર પહોંચી ગયા છે અને હુમલાની યોજના બનાવી રહ્યા છે.
બોમ્બ સ્ક્વોડ તે સ્થળોએ પહોંચી જ્યાં નાગપુર પોલીસને અજાણ્યા વ્યક્તિ દ્વારા તેમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.સાથે જ પોલીસ તપાસ કરી રહી છે કે ફોન કોલ ક્યાંથી આવ્યો અને ધમકી આપનાર વ્યક્તિ કોણ છે.પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.આ પહેલીવાર નથી જ્યારે મુકેશ અંબાણીને ધમકી મળી હોય, આ પહેલા ઓગસ્ટ 2022માં એન્ટિલિયાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને દેશ અને વિદેશમાં ઉચ્ચતમ શ્રેણી Z+ સુરક્ષા પ્રદાન કરવાનો આદેશ આપ્યો છે.જસ્ટિસ ક્રિષ્ના મુરારી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે સોમવારે કહ્યું કે,યોગ્ય વિચારણા કર્યા બાદ એ અભિપ્રાય છે કે જો કોઈ સુરક્ષા ખતરો હોય તો સુરક્ષા વ્યવસ્થાને કોઈ ચોક્કસ વિસ્તાર કે નિવાસ સ્થાન સુધી સીમિત ન કરી શકાય.ખંડપીઠે જણાવ્યું હતું કે પ્રતિવાદી નંબર 2 થી 6 (અંબાણી પરિવાર) ને પૂરી પાડવામાં આવેલ Z પ્લસ સુરક્ષા તેમને દેશ અને વિદેશમાં પૂરી પાડવામાં આવશે અને તેની જવાબદારી સરકારની રહેશે.