Site icon Revoi.in

વડોદરામાં 6 વર્ષ બાદ અમિતનગર એસટી બસ સ્ટેન્ડ ફરી શરૂ કરાયુ

Social Share

વડોદરાઃ શહેરમાં અમિતનગર સર્કલ અમદાવાદ અને ઉત્તર ગુજરાત જતાં પ્રવાસીઓ માટે સૌથી સાનુકૂળ હોવા છતાયે છેલ્લા 6 વર્ષથી અમિતનગર સર્કલ પરનું એસટી સ્ટેન્ડ બંધ કરવામાં આવ્યું હતું. તેથી પ્રવાસીઓને નાછૂટકે ખાનગી વાહનોમાં પ્રવાસ કરવાની ફરજ પડતી હતી. અનેક રજુઆતો બાદ આજે લાભ પાંચમથી અમિતનગર સર્કલ એસટી બસ સ્ટેન્ડ કાર્યરત કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ઉત્તર ગુજરાત તરફ જતા મુસાફરો હવે અમિતનગર સર્કલથી જ એસટી બસોમાં બેસી શકશે.

વડોદરામાં છ વર્ષ પહેલા અમિત નગર સર્કલ પાસે એસટી બસની અડફેટે એક વિદ્યાર્થીનું મોત થયું હતું. ત્યારબાદ અમિત નગર ખાતે એસટી બસ સ્ટેન્ડને બંધ કરી દેવામાં આવ્યું હતું અને સમા તળાવ ખાતે નવું એસટી બસ સ્ટેન્ડ કાર્યરત કરવામાં આવ્યું હતું. જેને પગલે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. અનેક રજુઆતો બાદ રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં અમિત નગર સર્કલ ખાતે બસ સ્ટેન્ડ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. જેનો આજે લાભ પાંચમથી અમલ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે એસટીના વિભાગીય નિયામક વિકલ્પ શર્મા અને ડીટીઓ એમ કે ડામોર ઉપસ્થિત રહ્યા હતા.

શહેરના અમિતનગર સર્કલ પર એસટી સ્ટેન્ડ શરૂ કરાતા પ્રવાસીઓને રાહત થશે.  રોજ અપ-ડાઉન કરતા પ્રવાસીઓના કહેવા મુજબ અમિતનગર સર્કલથી સમા બસ સ્ટેન્ડ સુધી રિક્ષામાં બેસીને જવું પડતું હતું. જેથી ખૂબ જ મુશ્કેલી પડતી હતી. જો કે, હવે અમિત નગર ખાતે નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવતા અમને રાહત થઈ છે.​​​​​​​ ડીટીઓ એમ.કે. ડામોરે જણાવ્યું હતું કે, આજથી અમિત નગર સર્કલ ખાતે આ નવું બસ સ્ટેન્ડ શરૂ કરવામાં આવ્યું છે. જેથી લોકોને નવી સુવિધા મળી રહેશે. લોકોને અપીલ કરીએ છીએ કે, વધુમાં વધુ લોકો એસટી બસનો ઉપયોગ કરે. આગામી દિવસોમાં અહીંથી વોલ્વો બસનું બુકિંગ પણ શરૂ કરવામાં આવશે.