ચોટિલા નજીક હાઈવે પર એમોનિયા ગેસ ભરેલા ટેન્કરે પલટી ખાધી, ગેસ લીક થતાં દોડધામ મચી ગઈ
અમદાવાદઃ રાજકોટ- અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે બામણબોર નજીક મોડીરાત્રે ડ્રાઈવરને ઝોકુ આવી જતાં એમોનીયા ગેસ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતાં વાલ્વ તૂટી જવાના કારણે એમોનીયા ગેસ લીકેજ થતાં હાઈ-વે પર અફરાતફરી મચી ગઈ હતી જો કે ફાયર બ્રિગેડ સ્ટાફે સમયસર ઘટના સ્થળે દોડી જઈ ટ્રાફિક ડાયવર્ટ કરી લીકેજ એમોનીયા પર સતત પાણીનો મારો ચાલુ રાખ્યો હતો. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટિલાના બામણબોર નજીક કાવેરી હોટલ પાસે મોડીરાત્રે ડ્રાઈવરને ઝોકુ આવી જતાં સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં 15 મેટ્રીક ટન ભરેલા એમોનીયા ગેસ સાથેનું ટેન્કર રોડની સાઈડમાં પલટી ખાઈ ગયું હતું. આ ગોઝારા અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નહોતી. પરંતુ, એમોનીયા ગેસનો વાલ્વ તૂટી જતાં હાઈ-વે પર ગેસ લીકેજ થતાં નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ મોડીરાત્રે ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી જઈ સતત 7 કલાક સુધી લીકેજ ગેસ પર પાણીનો મારો ચલાવી ગેસની તીવ્રતા મંદ પાડી દીધી હતી. જેના કારણે મોટી દુર્ઘટના થતાં અટકી હતી. 24 કલાક ટ્રાફિકથી ધમધમતા રાજકોટ-ચોટીલા હાઈ-વે પર મોડીરાત્રે સર્જાયેલી દુર્ઘટનાના કારણે ટ્રાફિક ખોરવાઈ ગયો હતો અને હાઈ-વે પર ટ્રાફિકના ચક્કાજામ સર્જાતા પોલીસ સ્ટાફે ઘટના સ્થળે ધસી જઈ ડાયવર્ઝન આપી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કર્યો હતો. બામણબોર પાસે મોડીરાત્રે એમોનીયા ગેસ ભરેલ ટેન્કર પલ્ટી ખાઈ ગયા બાદ ગેસ લીકેજ થતાં કોઈ દૂર્ઘટના ન સર્જાય તે માટે ફાયર બ્રિગેડ સ્ટાફે હાઈ-વે પરની બેથી ત્રણ હોટલો બંધ કરાવી દઈ હોટલના સ્ટાફને સુરક્ષિત સ્થળે ખસેડ્યો હતો.