- ઉત્તર ગુજરાતમાં 15 ડેમોમાં 74.14 ટકા જળસંગ્રહ,
- ધરોઇ ડેમ 42 ફૂટની સપાટીએ 89.93% જળસંગ્રહ થયો,
- દ્વારકાનો સાની ડેમ સંપૂર્ણપણે ખાલી
ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતમાંથી મેઘરાજાએ વિધિવત વિદાય લઈ લીધી છે. આ વખતે ચોમાસા દરમિયાન ઉત્તર ગુજરાતમાં સરેરાશ 115.47 ટકા વરસાદ પડ્યો છે. તેમ છતાં 15 પૈકી 8 ડેમમાં હજુ પાણીની આવક ચાલુ છે. સંપૂર્ણ રીતે ભરાયેલા 5 ડેમ વચ્ચે ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 74.14 ટકા જળસંગ્રહ થયો છે. બીજી બાજુ, સીપુ ડેમમાં 11.52 ટકા જ જળસંગ્રહ થતાં રાજ્યના 206 ડેમમાં બીજો સૌથી ઓછો જળસંગ્રહ ધરાવતો ડેમ રહ્યો છે.
ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય બાદ ઉપરવાસમાં વરસાદને કારણે 15 પૈકી 8 ડેમમાં હજુ પાણીની આવક ચાલુ રહેતાં ધીમેધીમે જળસંગ્રહ વધી રહ્યો છે. જેમાં ધરોઇ, ગોરઠીયા, જવાનપુરા, વૈડી, ખેડવા, વાત્રક, માઝુમ અને દાંતીવાડા ડેમમાં 25 ક્યુસેકથી લઇ 472 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. જે પૈકી સંપૂર્ણ રીતે 5 ડેમ છલોછલ ભરાચા ડેમમાંથી પાણીને નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જિલ્લા પ્રમાણે ડેમોની સ્થિતિ જોઇએ તો, મહેસાણાનો ધરોઇ ડેમ 619.42 ફૂટની સપાટીએ 89.93 ટકા જળસંગ્રહ થયો છે. ડેમની સર્વોચ્ચ સપાટીના જળસંગ્રહ માટે હજુ દોઢ ફૂટ પાણીની જરૂર છે. બનાસકાંઠાના 3 ડેમમાં સૌથી ઓછું 41.39 ટકા જળસંગ્રહ થયો છે. જેમાં દાંતીવાડા ડેમ 52.41 ટકા અને મુક્તેશ્વર ડેમ 56.80 ટકા ભરાયો છે. માત્ર 11.52 ટકા જળસંગ્રહ ધરાવતો સીપુ ડેમ રાજ્યના 206 ડેમમાં બીજો સૌથી ઓછો જળસંગ્રહ ધરાવતો ડેમ છે.
દેવભૂમિ દ્વારકાનો સાની ડેમ સંપૂર્ણપણે ખાલી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના 5 ડેમમાં 70.71 ટકા જળસંગ્રહ થયો છે. જેમાં જવાનપુરા ડેમ સંપૂર્ણ ભરાયો છે. જ્યારે હરણાવ-2 માં 99.82 ટકા અને ગોરઠીયામાં 99.52 ટકા જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ખેડવા ડેમ 76.15 ટકા અને ગુહાઇ ડેમ 58.11 ટકા ભરાયો છે. અરવલ્લી જિલ્લાના 6 પૈકી 4 ડેમ છલકાઇ જતાં કુલ 90.12 ટકા જળસંગ્રહ થયો છે. જેમાં માઝુમ, વૈડી, વાત્રક અને લાંક ડેમ ભરાઇ ચૂક્યા છે. જ્યારે મેશ્વો 89.57 ટકા અને હાથમતી 58.11 ટકા ભરાયો છે.