અમદાવાદઃ મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. પરંતુ દુનિયામાં સૌથી મોંઘા શહેરો ક્યા તે અંગે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ મોંઘવારી હોય એમાં 172 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.દુનિયાભરમાં સ્થાયી થવાની બાબતે સિંગાપુર અને ન્યુયોર્ક બન્ને સૌથી મોંઘા શહેર છે. જ્યારે દુનિયાના મોંઘા શહેરોના લિસ્ટમાં બેંગ્લોર 161 ચેન્નાઈ 164 અને અમદાવાદ 165માં સ્થાને છે
લંડનની ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટના વલ્ર્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ સર્વે મુજબ મુખ્ય વૈશ્ર્વિક શહેરોમાં મોંઘવારી બમણી થઈ છે. વિશ્ર્વના 172 મોટા શહેરોમાં રહેવાની કિંમત વાર્ષિક સરેરાશ 8.1 ટકા વધી છે જે દર છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ છે. આ લિસ્ટમાં ત્રણ ભારતીય શહેરોનાં નામ પણ છે પરંતુ તેમાંથી કોઈપણ શહેરનો ટોપ 100માં સમાવેશ થતો નથી.
સર્વે મુજબ દુનિયાના મોંઘા શહેરોના લિસ્ટમાં બેંગ્લોર 161 ચેન્નાઈ 164 અને અમદાવાદ 165માં સ્થાને છે. દુનિયાના સૌથી સસ્તા શહેરમાં સિરિયાની રાજધાની દમિશ્ક અને લિબિયાના ત્રિપોલીનો સમાવેશ થાય છે. જે તેની નબળી અર્થવ્યવસ્થા દર્શાવે છે. આ સર્વે દુનિયાભરના શહેરોની 200થી વધુ વસ્તુઓ અને સેવાઓની કિંમતના આધારે કરવામાં આવ્યો હતો.
દુનિયાભરના 10 સૌથી મોંઘા શહેરોમાં ત્રણ અમેરિકન શહેર ન્યુયોર્ક, લોસ એન્જલસ અને સેનફ્રાન્સિસ્કો સામેલ છે જયારે એવું પહેલીવાર બન્યું છે કે, ન્યુયોર્ક ટોચના સ્થાન પર છે. મોંઘવારી અને ડોલરની મજબુતી વચ્ચે સર્વેમાં અમેરિકાના 22 શહેરો પણ લિસ્ટમાં ટોપ પર આવ્યા છે. તેમાંથી છ શહેર એટલાન્ટા, ચાર્લેાટ, ઈન્ડિયાનાપોલિસ, સેન ડિએગો, પોર્ટલેન્ટ અને બોસ્ટન એવા શહેરો છે જેમાં ખુબ જ ઝડપથી મોંઘવારીનું પ્રમાણ વધ્યું છે.
વૈશ્વિક સર્વેમાં જાહેર કરાયેલા રેકિંગમાં ઈઝરાયલનું શહેર તેલ અવીવ ગત વર્ષે ટોચ પર હતું. જે આ વખતે ત્રીજા સ્થાને આવી ગયું છે. સૌથી મોટો બદલાવ રશિયન શહેર મોસ્કો અને સેન્ટ પીટસબર્ગના રેન્કિંગમાં થયો છે. ભારે મોંઘવારી બાબતેનું રેન્કિંગ ક્રમશ: 88 અને 70માં સ્થાને પહોંચ્યું છે. યુક્રેનમાં યુધ્ધ, રશિયા પર પિમી પ્રતિબંધો અને ચીનની શૂન્ય કોવિડ નીતિઓની સમસ્યાના કારણે મોંઘવારીની સમસ્યા વધી છે. સાથે જ વ્યાજદરોમાં વૃધ્ધિ અને વિનિમય દરમાં બદલાવના કારણે દુનિયાભરમાં રહેવાની બાબતે સંકટ ઊભુ થયું છે. આથી દુનિયામાં મોંઘવારી ઝડપથી વધી રહી છે.