દેશમાં વિવિધ ભાષાઓ વચ્ચે હિન્દી ભાષાનો સૌથી વધારે ઉપયોગ
નવી દિલ્હીઃ ભારતમાં હિન્દી ઉપરાંત ગુજરાત, મરાઠી અને મલાયલમ સહિતની ભાષાઓ બોલાય છે. પરંતુ દેશમાં સૌથી વધારે લોકો હિન્દી ભાષા બોલે છે. એક અંદાજ અનુસાર દેશના 52 કરોડ કરતા વધારે લોકો હિન્દી ભાષા બોલે છે. બીજી તરફ કેન્દ્ર સરકાર શાળાઓમાં ધો-10 સુધી હિન્દી ફરજીયાત કરવાનું વિચારી રહી હોવાનું જાણવા મળે છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજભાષા પરની 37મી સંસદીય સમિતિ દરમિયાન કહ્યું હતું કે, દેશના અન્ય રાજ્યોના લોકોએ પણ હિન્દી બોલવી જોઈએ. તેમણે કહ્યું કે બે અલગ-અલગ ભાષાઓ બોલતા રાજ્યોના લોકોએ અંગ્રેજી ભાષાને બદલે હિન્દીમાં એકબીજા સાથે વાત કરવી જોઈએ. વિપક્ષને અમિત શાહના નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી હતી. વિપક્ષે કહ્યું કે આ લોકો અમારા પર હિન્દી થોપવા માંગે છે. પૂર્વોત્તરમાં, આસામ સાહિત્ય સભા અને નોર્થ ઈસ્ટ સ્ટુડન્ટ્સ યુનિયન જેવા સંગઠનોએ અમિત શાહના નિવેદનનો વિરોધ કર્યો છે કે રાજ્યની શાળાઓમાં ધોરણ 10 સુધી હિન્દી ફરજિયાત કરવામાં આવી છે.
2011ની ભાષાકીય વસ્તી ગણતરીમાં 121 માતૃભાષાઓનો સમાવેશ થાય છે, જેમાં બંધારણની 8મી અનુસૂચિમાં સૂચિબદ્ધ 22 ભાષાઓનો સમાવેશ થાય છે. હિન્દી સૌથી વધુ 52.8 કરોડ લોકો એટલે કે 43.6 ટકા લોકો બોલે છે. જેઓ હિન્દીને તેમની માતૃભાષા માને છે. હિન્દી ભાષાને દાયકાઓથી સતત મુખ્ય માતૃભાષા તરીકે જોવામાં આવે છે. 1971માં 37 ટકા ભારતીય લોકોની માતૃભાષા હિન્દી હતી, જે 1981 સુધીમાં 38.74 ટકા સુધી પહોંચી ગઈ હતી. 1991માં હિન્દીભાષી ભારતીયોની સંખ્યા વધીને 39.29 થઈ ગઈ હતી અને 2001 સુધીમાં 41.03 ટકા પર પહોંચી ગઈ હતી, ત્યારબાદ વર્ષ 2011ના ડેટા પ્રમાણે આ આંકડો 43.63 પર પહોંચ્યો હતો.