અમરેલીઃ લોકસભાની ચૂંટણીને એકાદ વર્ષ જેટલો પણ સમય બાકી નથી રહ્યો ત્યારે ભાજપે પ્રચાર શરૂ કરી દીધો છે. અને સર્વાંગી વિકાસના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમરેલીના ત્રણ ટર્મથી સાંસદ રહેલા નારણ કાછડિયાએ મતદાતા ચેતના અભિયાનના કાર્યક્રમમાં અમરેલી જિલ્લો વિકાસની દ્રષ્ટીએ પછાત રહ્યો છે. એવું નિવેદન આપતા રાજકીય માહોલ ગરમાયો છે. અને કોંગ્રેસને મુદ્દો મળી ગયો છે. અમરેલીના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. અને નારણ કાછડિયા છેલ્લા 15 વર્ષથી સાંસદ છે. વિકાસ નથી કરી શક્યા એટલે પ્રજાની માફી માગવી જોઈએ.
અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બુધવારે સાંસદ નારણ કાછડિયા દ્વારા મતદાતા ચેતન અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં અમરેલી બસ સ્ટેન્ડને લઈ સવાલ પૂછવામાં આવતા નારણ કાછડિયાને એવો સ્વીકાર કરતા કર્યો હતો કે, 100 ટકા વિકાસની દ્રષ્ટિએ અમરેલી જિલ્લો પછાત રહ્યો છે. અમરેલીના જ ભાજપના સાંસદના આવા નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો હતો. કોંગ્રેસને તો મુદ્દો મળી ગયો છે. અમરેલીના પૂર્વ સાંસદ વિરજી ઠુમરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે, તેમજ કાછડિયા અમરેલીની 15 વર્ષથી ભાજપના સાંસદ છે તેવો વિકાસમાં નિષ્ફળ ગયા છે, પ્રજાની માફી માંગી લેવી જોઈએ, ડો.જીવરાજ મહેતાના સપનાનો આ જિલ્લો છે. ભાજપથી ખેડૂતો અને પ્રજા ત્રસ્ત છે. જો નારણભાઈના કહ્યા મુજબ અમરેલી જિલ્લો વિકાસની દ્રષ્ટિએ પછાત રહ્યો છે. તો સવાલ એ થાય કે, ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન છે. નારણ કાછડીયા સતત ત્રણ ટર્મથી અમરેલીના સાંસદ પદે ચૂંટાઈ રહ્યા છે. અમરેલી જિલ્લાના પુરુષોત્તમ રૂપાલા કેન્દ્રમાં મંત્રી છે. છતાં પણ અમરેલી જિલ્લાનો વિકાસ કરી શકાયો નથી.
અત્રે ઉલ્લેખનીય છે. કે, તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિને અમરેલી જિલ્લામાં વન વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમરેલીના સાંસદે વનીકરણ વિભાગની કામગીરીને લઈ ગંભીર સવાલ ઉઠાવતાં કાર્યક્રમમાં સન્નાટો છવાયો હતો. સાંસદ નારણ કાછડિયાએ વન વિભાગના અધિકારીઓ અને કલેકટરની હાજરીમાં કહ્યું હતું કે ફોરેસ્ટનું એકપણ વૃક્ષ ઊછરતું નથી. સાંસદ આટલેથી અટક્યા નહોતા અને વૃક્ષારોપણની કામગીરી સામાજિક સંસ્થાને સોંપી દેવાની પણ ભલામણ કરી હતી. સાંસદના નિવેદનના ચાર દિવસ બાદ ગુજરાતના વનમંત્રીએ એક ટ્વીટ કરી લખ્યું હતું કે,અમરેલી જિલ્લામાં પાંચ વર્ષમાં 1.94 લાખ વૃક્ષ ઊછર્યાં છે.