Site icon Revoi.in

અમરેલી જિલ્લામાં સાવરકુંડલા,રાજુલા અને જાફરાબાદ સિવાય વીજ પુરવઠો પૂર્વવત થયો

Social Share

અમરેલીઃ વિનાશક તાઉતે વાવાઝોડાને લીધે સમગ્ર અમરેલી જિલ્લાના વીજપુરવઠાને માઠી અસર થઈ હતી. પરંતુ વીજ વિભાગે વીજગતિએ કામગીરી માત્ર ગણતરીના દિવસોમાં અમરેલી જિલ્લાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં વીજપુરવઠો પૂર્વવત કર્યો છે. જિલ્લાના અમરેલી, લાઠી, બાબરા, લીલીયા, વડિયા અને કુંકાવાવના શહેરી વિસ્તારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ફરી વીજપુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો છે. આ તાલુકાના ફક્ત ૨૦ જેટલા ગામો વીજ પુરવઠો કાર્યરત નથી થયો જે કાલ સવાર સુધીમાં પૂર્વવત થશે. તદુપરાંત આવતા સોમવાર સુધીમાં બગસરા અને મંગળવાર સુધીમાં ધારીમાં પુનઃ વીજપુરવઠો શરૂ કરવામાં આવશે.

અમરેલી જિલ્લાના સૌથી વધુ અસરગ્રસ્ત સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ અને ખાંભાના વિસ્તારોમાં વીજપુરવઠો પુનઃ શરૂ કરવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલુ છે. આવતી તા. ૨૮ મે સુધીમાં પુનઃ વીજપુરવઠો શરૂ કરવાનું આયોજન વીજ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.આ વાવાઝોડા દરમિયાન જિલ્લાના વીજ વિભાગને ખૂબ મોટું નુકસાન થયું છે. ૬૬ કેવીના ૭૬ જેટલા સબ સ્ટેશનોને ગંભીર અસર થઈ છે. એક સબસ્ટેશનની કિંમત રૂ. ૨.૫૦ કરોડ જેટલી છે. તેવી જ રીતે રાજુલા જાફરાબાદ લાઈનના કુલ ૩૪ ટાવરો અને જમીનદોસ્ત થયા છે. આ ૧ ટાવરની કિંમત રૂ. ૧૦ લાખ જેટલી હોય છે. વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે હાલ વિજકર્મીઓ દિવસરાત એક કરી યુદ્ધના ધોરણે કામ કરે છે. નુકસાન પામેલા ટાવરોને પુનઃસ્થાપિત કરવા ઘણી ટીમો ખડેપગે છે. ૨૦ માણસોની ૧ સ્પેશ્યલ ટીમ એવી ૬ ટીમો એટલે કે ૧૨૦ માણસો જ્યારે આખો દિવસ કામ કરે ત્યારે એક દિવસમાં માત્ર ૩ ટાવર ઉભા કરી શકે છે. માત્ર ફાઉન્ડેશન કરતા એક ટાવરને બે દિવસ લાગે છે. આમ આ કાર્ય અત્યંત ખર્ચાળ સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે વાવાઝોડાના લીધે અમરેલી જિલ્લામાં ૬૫ હજાર જેટલા વીજપોલ, ૬૦૦ જેટલા ટ્રાન્સફોર્મરો જમીનદોસ્ત થયા હતા. પરંતુ વાવાઝોડાના ફક્ત ત્રણ જ દિવસમાં ૨૧૧ ગામો અને ૭ મોટા શહેરોમાં વીજપુરવઠો પુનઃ કાર્યાન્વિત કરવામાં આવ્યો છે. આમ ફક્ત બે દિવસમાં ૬૩ સબસ્ટેશનો ચાલુ કરવામાં આવ્યા હતા. અમરેલી વીજ વિભાગ તેમજ અન્ય ડિજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ અને ટોરેન્ટ પાવરના કુલ મળી ૪૭૮૯ થી વધુ વિજકર્મીઓ ૨૪૭ થી વધુ વાહનો અને સંસાધનો સાથે હાલ ખડેપગે છે