Site icon Revoi.in

અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ છલકાયો, 46 ગામોને એલર્ટ કરાયા

Social Share

અમરેલીઃ  શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે બગસરામાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે ધારી, અમરેલી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. ગઈ કાલે ખાંભાના બોરાળા, ચકરાવા, ભૂંડણી, મોટા બારમણ, બોરાળા, ત્રાકુડા, પસપચીયા સહિત ગીર કાંઠાના ગામડામાં વરસાદ ભારે વરસાદ પડ્યો હતો, વરસાદને કારણે જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ છલોછલ ભરાઈ જતાં શેત્રુંજી નદી કાંઠાના 46 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના દુધાળા આસપાસના ગામડામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. બોરાળા અને ચકરાવા ગામમાંથી પસાર થતી માલણ નદીમાં ધસમસતો પ્રવાહ ઘોડાપૂરના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઉપરાંત બગસરા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે.  ઉપરાંત ધારીના ગીગાસણ, દલખાણીયા, કુબડા, શિવડ, બોરડી, ગોવિંદપુર, સુખપુર અને કાગસ સહિત ગામડામાં ભારે વરસાદ પડતા ગોવિંદપુર ગામની પીલુકિયો નદીમાં પુર આવ્યું હતું. બીજી તરફ ધારી, ખાંભા,બગસરા મોટાભાગના તાલુકા મથકમાં વરસાદ પડી રહ્યો છે.

ધારીમાં ભારે વરસાદને લીધે શેત્રુંજી નદીમાં પુર આવતા ફરીવાર ધારીનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થતા પાણીની આવક વધતા બે દરવાજા બે બે ફૂટ ખોલવાની ફરજ પડી છે. નદીના પટમાં અવરજવર નહિ કરવા માટે સૂચના આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં 34 ગામડા અને ભાવનગર જિલ્લાના 12 ગામડાને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. નદી કાંઠાના ગામડાના લોકોએ નદી નજીક અવર જવર નહિ કરવા અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ એલર્ટ સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.