ચંદીગઢઃ ખાલિસ્તાની સમર્થક અને લાંબા સમયથી ફરાર એવો અમૃતપાલ સિંહને પોલીસે પંજાબના મોગા જિલ્લામાંથી દબોચી લીધો હતો અમૃતપાલ પર એનએએ લગાવીને તેને આસામના દિબ્રુગઢની જેલમાં લઈ જવાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. પોલીસના જાપતામાં આવતા પહેલા અમૃતપાલ ફરાર થઈ ગયો હતો અને તે પછી તેની મોટાપાયે શોધખોળ કરવામાં આવી હતી. આ પહેલા તેની પત્નીને યુકે જતા રોકવામાં આવી હતી.
પંજાબ પોલીસના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મોગા જિલ્લાના રોડે ગામમાંથી અમૃતપાલે સરેન્ડર કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ‘વારિસ પંજાબ દે’ના પ્રમુખ અને ભાગેડું અમૃતપાસસિંહને આજે પકડી લેવામાં આવ્યો હતો. ગત તા. 18 માર્ચના રોજ અમૃતપાલ જલંધરમાં પોલીસે દરોડા પાડ્યા ત્યારે ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ અમૃતપાલ સિંહને પકડી પાડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તે પોતાનો વેશ અને વાહનો બદલીને પોલીસના હાથમાં આવતા બચવામાં સફળ થયો હતો. પંજાબ પોલીસ ઉપરાંત દેશની સુરક્ષા એજન્સીઓએ પણ અમૃતપાલને પકડવા માટે છેલ્લા સવા મહિનાથી મથામણ કરી રહી હતી. જો કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું. તેની ગુરુદ્વારામાંથી અટકાયત કરવામાં આવી હતી. અમૃતપાલ છેલ્લા 36 દિવસથી ફરાર હતો. અમૃતપાલે પંજાબના અજનલા પોલીસ સ્ટેશન પર 23 ફેબ્રુઆરીએ પોતાના એક સમર્થકને છોડાવવા માટે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ પોલીસ તેને શોધી રહી છે. ગત 20 એપ્રિલે અમૃતપાલની એનઆરઆઈ પત્ની કિરણદીપ કૌરને ઈમિગ્રેશન અધિકારીઓએ અમૃતસર એરપોર્ટ પર રોકી હતી. તે લંડન જઈ રહી હતી. ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કિરણદીપની 3 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી કિરણદીપને છોડી મૂકવામાં આવી હતી.
અમૃતપાલે પોલીસ સમક્ષ સરન્ડર થયા પહેલા કહ્યું હતું કે, આ જરનૈલ સિંહ ભિંડરાંવાલેનું જન્મસ્થળ છે. તે જગ્યાએ અમે અમારું કાર્ય વિસ્તારી રહ્યા છીએ અને એક મહત્ત્વના વળાંક પર ઊભા છીએ. એક મહિનાથી શું થઈ રહ્યું છે તે બધાએ જોયું છે. જો માત્ર ધરપકડની વાત હોત તો, ધરપકડની ઘણી પદ્ધતિઓ હતી, અમે સહકાર આપ્યો હોત. વિશ્વની અદાલતમાં કદાચ આપણે દોષિત સાબિત થઇએ. સાચા ગુરુના દરબારમાં નહીં. એક મહિના પછી નક્કી કર્યું, આ ધરતી પર લડ્યા છે અને લડીશું. જેમના પર ખોટા કેસ છે, તેમનો સામનો કરવો પડશે. ધરપકડ એ અંત નથી પણ શરૂઆત છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ અમૃતપાલ સમર્થકોનાં ટોળાં સાથે સરેન્ડર કરવા માગતો હતો. આ માટે તે શનિવારે રાત્રે મોગાના રોડે ગામ પહોંચ્યો હતો. અહીં તેના નજીકના મિત્રોએ પંજાબ પોલીસના અધિકારીઓનો સંપર્ક કર્યો. આ માટે રવિવાર એટલે કે આજનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો. અમૃતપાલ સરેન્ડર સમયે પોતાની તાકાત બતાવવા માગતો હતો. પંજાબ પોલીસને શંકા હતી કે ભીડ એકઠી થવાને કારણે કોઈ પ્રકારનું વાતાવરણ બગડી શકે છે. જેના કારણે અમૃતસરના એસએસપી સતીન્દર સિંહ અને પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ આઈજી રવિવારે સવારે જ રોડે ગામના ગુરુદ્વારા પહોંચ્યા હતા. પોલીસ સાદા યુનિફોર્મમાં આવી અને સવારે જ અમૃતપાલની ધરપકડ કરી હતી