Site icon Revoi.in

એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા હવે તા. 1લી જુનથી ચાલુ કરવામાં આવે તેવી શક્યતા

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ ઘટતા જાય છે. ત્યારે સરકાર પણ કેટલાક નિયંત્રણો હળવા કર્યા છે. પણ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હજુ એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો નથી જોકે અગાઉ તા. 28મીમેથી શહેરી બસ સેવા શરૂ કરાશે એવી જાહેરાત કરવામાં આવી હતી.પણ કોઈ કારણસર બસ સેવા પુનઃ રાબેતા મુજબ કરી શકાય નથી. હવે એવું કહેવામાં આવે છે કે, તા. 1લી જુનથી બસ સેવા શરૂ કરાશે. એએમટીએસ અને બીઆરટીએસ  બસસેવા ફરી શરૂ કરવા અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. શહેરમાં વિકાસનાં કામોનાં લોકાર્પણો અને કમિટીઓના ચેરમેનની નિમણૂકોની વ્યસ્તતાને લીધે નિર્ણય લઈ શકાયો નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના પ્રભારી અને સત્તાધીશો આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરોડો રૂપિયાનાં વિકાસનાં કામોનાં લોકાર્પણ અને મ્યુનિની વિવિધ કમિટીઓના ચેરમેનની નિમણૂકની વ્યસ્તતામાં હતા, જેથી મ્યુનિસિપલ કમિશનર સાથે આ બાબતે કોઈ ચર્ચા કરી નથી. મ્યુનિસિપલ કમિશનર અને સત્તાધીશો વચ્ચે ચર્ચા થયા બાદ 1 જૂનના રોજ એએમટીએસ અને બીઆરટીએસ  દોડાવવાનો નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે. ગત સોમવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની બસસેવા ચાલુ કરવા મામલે બેઠક થઈ હતી, પરંતુ એમાં કોઈ નિર્ણય લેવાયો ન હતો. બેઠકમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. મીટિંગ બાદ બસસેવા ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

સત્તાધીશો પણ બસસેવા ઝડપથી ચાલુ થાય એમ ઈચ્છે છે, પરંતુ કમિશનર તરફથી આ બાબતે નિર્ણય લેવામાં ન આવતાં તેઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે. કોરોનાને કારણે છેલ્લા બે મહિનાથી એએમટીએસ અને બીઆરટીએસ  બસ સેવા બંધ છે.એએમટીએસ બસસેવા પહેલાંથી જ ખોટમાં ચાલી રહી છે, ત્યારે કોરોનાને કારણે ફરી મોટી આર્થિક કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. અધિકારીઓ અને કર્મચારીઓને પગારના ચૂકવવામાં ફાંફાં પડી રહ્યાં છે. લાખો રૂપિયાનો પગાર કરવાનો હોય છે અને કોન્ટ્રેક્ટની બસોને પણ કેટલાક ટકાની રકમ ચૂકવવાની હોય છે. એક તરફ, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે અને રિક્ષાચાલકો બેફામ લૂંટ ચલાવે છે, ત્યારે ફરી સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈન્સ સાથે એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા ફરી શરૂ કરવામાં આવે એવી લોકો માગ કરી રહ્યા છે.