Site icon Revoi.in

AMTS અને BRTSના ડ્રાઈવરો, કંડકટરો માસ્ક ન પહેરે તો માત્ર 200 રૂપિયા દંડ વસુલાશે

Social Share

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા બંધ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન 81 દિવસ પછી ફરી એકવાર આવતીકાલ સોમવારથી એએમટીએસ અને બીઆરટીએસની સેવા શરૂ કરશે. જો કે, આ જાહેરાતની સાથે એવું પણ ઠરાવવામાં આવ્યું છે કે, બીઆરટીએસ કે એએમટીએસનો કોઈ કર્મચારી માસ્ક વગર કે થૂંકતા પકડાય તો રૂ.200 દંડ વસૂલ કરાશે. સામાન્ય નાગરિક માસ્ક ન પહેરે તો પોલીસ રૂ.1 હજાર દંડ વસૂલે છે. ત્યારે રૂ.200 દંડનો નિર્ણય કેવી રીતે લઈ શકાય.

અમદાવાદ મ્યનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ અને ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન વલ્લભ પટેલે જાહેરાત કરી હતી કે, સોમવારે 7 જૂનથી એએમટીએસ અને બીઆરટીએસ સેવા ફરી શરૂ થશે. જો કે, બસમાં પેસેન્જરની ક્ષમતા 50 ટકા રખાશે અને બસની સંખ્યા પણ 50 ટકા જ રહેશે. બસ સેવા સવારે 6થી રાત્રે 8 સુધી જ ચાલુ રાખવામાં આવશે. તમામ કર્મચારી જ્યારે પણ હાજર થાય ત્યારે તેને શરદી-ખાંસી કે તાવ નથી તેની તપાસ કરાશે. થર્મલ ગનથી તેનું તાપમાન પણ માપવામાં આવશે. એટલું જ નહીં કોરોના ગાઇડ લાઇનનું પાલન થાય તે માટે અલગ અલગ જગ્યાએ અધિકારી-સુપરવાઇઝરની ટીમ તથા વિજિલન્સની ટીમ પણ કાર્યરત રહેશે. બીઆરટીએસની તમામ બસો ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ પર છે તેમજ તેના કર્મચારીઓ પણ આ ખાનગી કંપનીના જ છે.

એએમટીએસની પણ મોટાભાગની બસો ખાનગી કોન્ટ્રાક્ટરની છે ત્યારે તેના કર્મચારીઓ પણ ખાનગી કોન્ટ્રાક્ટરના પે રોલ પર છે. બસના ડ્રાઈવર, કંડકટરે માસ્ક નહીં પહેર્યા હોય તો માત્ર રૂ. 200 જ દંડનો લેવામાં આવશે. ઉપરાંત તમામ બસોમાં માત્ર 50 ટકા મુસાફરો બેસાડાશે. કુલ બસોના 50 ટકા બસો એટલે કે બીઆરટીએસમાં 140 બસો તો એએમટીએસમાં 300થી વધુ બસો દોડાવાશે, સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી બસો દોડાવાશે, મુસાફરોને નિશ્ચિત સ્ટેશનની ટિકિટ જ અપાશે, જનમિત્રકાર્ડનો વધુ ઉપયોગ થાય તે માટે તત્કાલ ઇસ્યુ થશે. કર્મચારી જો થૂંકતા કે માસ્ક વિના પકડાશે તો રૂ. 200 દંડ કરાશે. બીઆરટીએસ સેવા બંધ હોવાથી મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીએ બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોને પણ પ્રવેશની મંજૂરી આપી હતી. જોકે આગામી સોમવારથી બીઆરટીએસ સેવા ફરીથી કાર્યરત થવાને કારણે હવે આ રૂટમાં ખાનગી વાહનના પ્રવેશ સામે દંડનીય કાર્યવાહી પણ થઇ શકશે. તમામ બસોની સીટ ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન કરવાના સ્ટિકર લગાવાશે. પ્રતિદિન બસને સંપૂર્ણ સેનિટાઈઝ કરાશે. કર્મચારીઓ હાજરીના સમયે, રિશેષમાં તેમજ ફરજથી છૂટવાના સમયે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે માટે મોનિટરિંગ વ્યવસ્થા કરાશે. ડેપો-ટર્મિનસની ઓફિસ રોજ સેનેટાઇઝ થાય તેવી વ્યવસ્થા કરાશે.