AMTS-BRTSની બસોએ છેલ્લા એક દાયકામાં 750 અકસ્માતો કર્યા, ઓવરસ્પિડિંગની 43 ફરિયાદો મળી
અમદાવાદઃ શહેરમાં એએમટીએસ-બીઆરટીએસની બસના બેફામ ડ્રાઇવિંગને કારણે અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં ખાનગી ઓપરેટરોને બસ સંચાલન સોંપાયા બાદ ઓવરસ્પિડિંગમાં બસ દોડાવવાની ફરિયાદો પણ મળી રહી છે. છેલ્લા 10 વર્ષમાં એએમટીએસ અને બીઆરટીએસ બસથી 750થી વધુ અકસ્માત સર્જાયા છે, જેમાં 15થી વધુ લોકોના મોત થયા હતા. જો કે કોન્ટ્રાક્ટના ડ્રાઇવરને માત્ર કાગળ પરથી દૂર કરાય છે, જ્યારે મ્યુનિ.ની ફરજ પરના ડ્રાઇવરને તો ફોજદારી કેસ લડવા તેમજ અકસ્માત મોતના કેસમાં વળતરની રકમ મ્યુનિ. જ ચૂકવે છે. જેને પગલે ખરેખર જવાબદાર ડ્રાઈવરો સામે કોઇ ગંભીર પગલાં લેવાતાં નથી.
આરટીઆઇ હેઠળ મળેલી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં છેલ્લા 5 વર્ષમાં એએમટીએસ અને બીઆરટીએસની બસો ઓવરસ્પીડ દોડાવાતી હોવાની 43 ફરિયાદો મળી હતી. આ સિવાય પણ બસ ઓવરસ્પીડ હોવાની અનેક ઘટનાઓ બની છે. શહેરમાં એએમટીએસથી છેલ્લા 10 વર્ષમાં 701થી વધુ અકસ્માત થયા છે. જેમાં 15 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. મ્યુનિ.એ બજેટમાં અકસ્માતના કેસમાં વળતર ચૂકવવા માટે 25 લાખથી લઇને 1 કરોડ સુધીની અલગથી ફાળવણી કરવી પડે છે. જોકે રોડ સેફ્ટી માટેની સુવિધા આપવાની જવાબદારી જેટલી ટ્રાફિક પોલીસ અને મ્યુનિ. કોર્પોરેશનની છે તેટલી લોકોની પણ છે. અમદાવાદ શહેરમાં અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. વાહનચાલકોમાં ટ્રાફિક સેન્સનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. જેમાં બીઆરટીએસ અને એએમટીએસના બસચાલકો ઓવરસ્પિડમાં બસ ચલાવતા હોય છે. એટલું જ નહીં બસ હંકારતા હોય ત્યારે મોબાઈલફોન પર વાતો કરતા હોય છે. ત્યારે બસ ચલાવવામાં એનું ધ્યાન રહેતું નથી. એએમટીએસ અને બીઆરટીએસ હાલ ખાનગી ઓપરેટરોને હવાલે હોવાથી જ્યારે ફરિયાદો મળે ત્યારે બસચાલકને માત્ર ઠપકો આપીને જ સંતોષ માનવામાં આવે છે.