Site icon Revoi.in

અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચના દિને AMTS, BRTSની એક્સ્ટ્રા બસ દોડાવાશે

Social Share

અમદાવાદ: શહેરમાં કાલે શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં  ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડકપની રોમાંચક મેચ યોજાશે. જેમાં મેચ જોવા એક લાખથી પણ વધુ પ્રેક્ષકો ઉમટી પડશે. મેચ જોવા માટે બહારગામથી આવતા ક્રિકેટરસિયાઓ તેમજ શહેરના ક્રિકેટકસિકો વાહનોના પાર્કિંગની માથાકૂટમાં પડવા કરતા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો વધુ ઉપયોગ કરતા હોય છે. જેના લીધે મેટ્રો ટ્રેનોની ખાસ ટ્રીપ દોડાવવાનો નિર્ણય લીધા બાદ AMTS અને BRTSની એક્સ્ટ્રા બસો દોડાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. AMTSની ચાંદખેડા રૂટ ઉપરાંત 50 એક્સ્ટ્રા બસો દોડાવાશે. પૂર્વ અને પશ્ચિમ એમ બંનેના કુલ પાંચ સ્થળોએ જવા 50 બસો મૂકવામાં આવશે. તેમજ BRTSની 22 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. સવારે 8 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી AMTS અને BRTS નાગરિકો માટે ચાલુ રહેશે.

અમદાવાદ  શહેરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરને શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોમાંચક મેચ રમાશે.  આ મેચના લીધે ક્રિકેટરસિયાઓમાં એનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેચને લીધે લોકોના ટ્રાફિકને પહોંચી વળવા માટે એએમસી દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત-પાકિસ્તાન મેચના દિવસે મેટ્રો બાદ AMTS અને BRTSની એક્સ્ટ્રા બસોમાં દોડાવવાનો  નિર્ણય લેવામાં આવ્યો છે.  આ ઉપરાંત પ્રેક્ષકોની  મેડિકલ સુવિધા માટે  108 એમ્બ્યુલન્સ અને હોસ્પિટલની સુવિધા ઊભી કરવામાં આવશે.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ ભારત-પાકિસ્તાન મેચના દિવસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી AMTSની ચાંદખેડા રૂટ ઉપરાંત 50 એક્સ્ટ્રા બસો દોડાવાશે. પૂર્વ અને પશ્ચિમ એમ બંનેના કુલ પાંચ સ્થળોએ જવા 50 બસો મૂકવામાં આવશે આ ઉપરાંત BRTSની  વધુ 22 બસો દોડવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આ અગાઉ નમો સ્ટેડિયમ સુધી 45 BRTS બસો દોડતી હતી. ત્યારે હવે કુલ 67 બસો સ્ટેડિયમ સુધી દોડશે. જેના પગલે ક્રિકેટ ફેન્સ જાહેર પરિવહનનો ઉપયોગ કરીને સરળતાથી સ્ટેડિયમ સુધી પહોંચી શકશે.એએમટીએસ અને બીઆરટીએસ બસ સવારના 6 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી સેવામાં કાર્યરત રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગરમીના માહોલની વચ્ચે કોઈપણ પ્રકારની શારીરિક તકલીફ થાય તો ઇમરજન્સી માટે સ્ટેડિયમમાં કુલ 12 જેટલી 108 એમ્બ્યુલન્સ મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં આઈસીયુ બેડ સાથેની મીની હોસ્પિટલ ઊભી કરાઈ છે. જેમાં વેન્ટિલેટર સાથેના 6 બેડ મૂકવામાં આવશે. આ સાથે જ ડોક્ટર, નર્સ સહિત 54 સભ્યોની ટીમ મેચ દરમિયાન સ્ટેન્ડ ટુ રહેશે. 108 ઈમરજન્સી સેવાના જણાવ્યા મુજબ પાકિસ્તાનની મેચમાં એક લાખથી વધુ પ્રેક્ષકો આવવાના છે. ત્યારે સ્ટેડિયમમાં કુલ 12 જેટલી 108 એમ્બ્યુલન્સ હાજર રહેશે. સ્ટેડિયમના મુખ્ય 6 ગેટ ઉપર 6 એમ્બ્યુલન્સ પણ મૂકવામાં આવી છે. ફિલ્ડ ઓફ પ્લે એરિયામાં, પ્લેયર મેડિકલ રૂમ પાસે, સ્પેકટેટર મેડિકલ રૂમ પાસે, રેમ્પ પાસે અને ફાયર સેફ્ટી એરિયા પાસે એમ્બ્યુલન્સ મુકવામાં આવશે.