Site icon Revoi.in

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી મેચ દરમિયાન AMTS-BRTS સ્પેશ્યલ બસો દોડાવશે

Social Share

અમદાવાદઃ  ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની આ સીઝનની ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. શુક્રવારે અને રવિવારે રમાનારી આ મેચને લઈને લોકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. IPLની ફાઈનલ માટે અંદાજે 1 લાખથી વધુ ટિકિટો વેચાઈ ગઈ છે, જ્યારે ક્વોલિફાયર મેચમાં પણ મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહી શકે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે જતા લોકોને પહોચવામાં મુશ્કેલી ન પડે તે માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એએમટીએસ અને બીઆરટીએસની ખાસ બસો દોડાવાશે. સ્ટેડિયમ સુધી અને ત્યાંથી પાછા ઘરે જવા માટે સ્પેશિયલ બસો મૂકવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં આજે 27મીએ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ રમાવાની છે, આ મેચના વિજેતા ટીમની રવિવારે 29મી મેએ ગુજરાત ટાઈટન્સ સાથે ટક્કર થશે. IPLની મેચો લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેને લઈને AMTS તથા BRTS દ્વારા સ્ટેડિયમ સુધી આવવા તથા પાછા જવા માટે બપોરના 3 વાગ્યાથી રાતના 1.30 વાગ્યા સુધી બસની સુવિધા આપવામાં આવશે.

મ્યુનિ.ના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં BRTS દ્વારા ટાટા આઈપીએલની ક્વોલિફાયર-2 મેચ માટે આજે 27મીએ બપોરે 3 વાગ્યાથી 5 રૂટ પર 56 બસ મૂકવામાં આવી છે, જેમાં નારોલથી ઝુંડાલ સર્કલ માટે 26 બસ, એલડી કોલેજથી ઝુંડાલ સર્કલ સુધી 24 બસ, ઈસ્કોનથી વિસત સર્કલ સુધી 6 બસ મૂકવામાં આવી છે. આવી જ રીતે મેચ સમાપ્ત થયા બાદ પાછા જવા 25 બસ મૂકવામાં આવી છે, જેમાં સાબરમતી પોલીસ સ્ટેશનથી નારોલ, સાબરમતી પોલીસ સ્ટેશનથી ઈસ્કોન ક્રોસ રોડ, સાબરમતી પોલીસ સ્ટેશનથી આરટીઓ સર્કલ રૂટનો સમાવેશ થાય છે. આ બસ સુવિધા રાત્રે 11 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી મળશે.

આ ઉપરાંત ફાઈનલ મેચ માટે રવિવારના રોજ સ્ટેડિયમ સુધી પહોંચવા 71 બસ મૂકવામાં આવી છે, જેમાં નારોલથી ઝુંડાલ સર્કલ માટે 26 બસ, નારોલથી વિસત સર્કલ માટે 6 બસ એલ.ડી કોલેજથી ઝુંડાલ સર્કલ સુધી 24 બસ, ઈસ્કોનથી વિસત સર્કલ સુધી 7 બસ અને નેહરુનગરથી વિસત સર્કલ સુધી 8 બસ મૂકવામાં આવી છે. મેચ પૂરી થયા બાદ પાછા જવા સ્ટેડિયમથી વિવિધ રૂટ માટે 48 બસો મૂકવામાં આવી છે. ઉપરાંત મેચ પૂર્ણ થયા બાદ ભીડની સંભાવનાને પગલે સાબરમતી પોલીસ સ્ટેશન ખાતેથી અલગ ટિકિટ કાઉન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.