Site icon Revoi.in

અમદાવાદમાં એએમટીએસએ ફરી સર્જ્યો અકસ્માતઃ સાઈકલ ચાલક બાળકનું મૃત્યુ

Social Share

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે, તેમજ અવાર-નવાર એએમટીએસ-બીઆરટીએસ બસના અકસ્માતની ઘટના સામે આવે છે. ફરી એકવાર એએમટીએસ બસે અકસ્માત સર્જયો છે. શહેરના પ્રેમ દરવાજા પાસે માર્ગ ઉપરથી પસાર થતી એએમટીએસ બસે સાઈકલ ઉપર સવાર બાળકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં સાઈકલ પણ સવાર બાળકનું મોત થયું હતું. આ બનાવને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના દરિયાપુર વિસ્તારમાં રહેતા શહેજાદ બેદ મુર્ઝા કાલુરમાં ફ્રુડનો વ્યવસાય કરે છે. દરમિયાન તેમનો સાત વર્ષનો પુત્ર શાહીદ સાઈકલ લઈને પ્રેમ દરવાજા પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન પુરઝડપે આવેલી એએમટીએસ બસે સાઈકલને ટક્કર મારી હતી. તેમજ સાઈકલ ઉપર સવાર શાહિદ ટાવરના વ્હીલ નીચે ચગદાઈ જતા તેનું મૃત્યુ નિપજ્યું હતું.

અકસ્માત બાદ એએમટીએસ બસનો ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે બીજી તરફ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ કિશોરની લાશને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી.

બસના ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રાફિક પોલીસની ટીમે એએમટીએસ પાસેથી બસના રૂટ તેમજ ડ્રાઇવરનું નામ સરનામું સહિતની વિગતો મેળવી છે. જેને આધારે પોલીસે બસના ડ્રાઇવરની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે. અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને જવાબદાર બસ ચાલક સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.