અમદાવાદઃ એએમસી સંચાલિત અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ વધુ 200 જેટલી સીએનજી બસ ખરીદીને ખાનગી કોન્ટ્રાકટરોને ચલાવલા માટે આપશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રાન્સપોર્ટ સર્વિસ એવી એએમટીએસની તમામ 800થી વધુ બસો હવે કોન્ટ્રાક્ટ ઉપર જ ચાલે છે. એક પણ બસ કોર્પોરેશનની નથી. તમામ બસોનું સંચાલન કોન્ટ્રાક્ટરો દ્વારા જ કરવામાં આવી રહ્યું છે.
એએમટીએસના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 200 નવી નોન એસી સીએનજી બસો ખરીદવામાં આવશે. જેના માટે તમામ બસો કોન્ટ્રાકટ પર ચલાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. સૌથી ઓછા રૂપિયા 54.90 પૈસાના ભાવે તમામ બસો કોન્ટ્રકટરને ચલાવવા માટેની દરખાસ્ત AMTS કમિટીમાં મંજૂર કરવામાં આવી હતી. જોકે, અલગ અલગ ત્રણ કંપનીઓને 70 અને 65-65 એવી રીતે બસો ફાળવવામાં આવશે. તમામ બસો માટે ભાવ એક સરખો જ રહેશે. નવી તમામ 200 સીએનજી બસોને કોન્ટ્રાકટરો દ્વારા ચલાવવામાં આવશે.
આ અંગે AMTS કમિટિના ચેરમેન વલ્લભ પટેલે જણાવ્યું હતું કે, કમિટિની મળેલી બેઠકમાં નવી 200 બસો ખરીદવાનો નિર્ણય લેવાયો છે, જેમાં પ્રથમ લોએસ્ટ ભાવ રૂપિયા 54.90ના ભાવે તમામ બસો આપવામાં આવશે. કુલ છ જેટલી કંપનીઓએ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધો છે. જેમાંથી પ્રથમ ત્રણ કંપનીઓને લોએસ્ટ ભાવમાં બસો ફાળવવામાં આવશે. પ્રથમ કંપનીને 70, બીજીને 65 અને ત્રીજીને 65 ફાળવવામાં આવશે. પ્રથમ લોએસ્ટ ભાવમાં ચાર્ટડ કંપની, બીજી માતેશ્વરી બસ અને ત્રીજી આદિનાથ બ્લક કંપની છે. આ ત્રણ કંપનીઓ જો લોએસ્ટ ભાવથી બસ ચલાવવા તૈયાર થશે તો તેઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. જો તેઓ તૈયાર નહીં થાય તો ત્યારબાદની અન્ય ત્રણેય કંપનીઓને ફાળવવામાં આવશે.
વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કે, એએમટીએસ દ્વારા કરોડોના ખર્ચે 200 બસ ખરીદીને કોન્ટ્રાક્ટોને પધરાવી દેવાશે. જેનાથી માત્ર કોન્ટ્રાક્ટરોને જ ફાયદો થશે. હાલમાં એમટીએસમાં જ ચાલતી બસોના જ કોન્ટ્રકટરો દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું છે. જેમાં બે કંપનીઓ ભાજપના નેતાઓની હોવાનું કહેવાય છે..