અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થતાં ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બની છે. ત્યારે નાગરિકો વધુમાં વધુ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરે તે જરૂરી છે. શહેરમાં એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો ટ્રેન સેવા કાર્યરત છે. ત્યારે ત્રણેય સેવાઓ વચ્ચે સંકલનનો અભાવ હતો. મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કરીને પ્રવાસી મેટ્રો સ્ટેશને ઉતર્યા બાદ અન્ય વિસ્તારમાં જવા માટે પબ્લિક પરિવહનની કોઈ સુવિધા ન હોવાથી ઓટોરિક્ષાનો સહારો લેવો પડે છે. આથી હવે એએમટીએસ દ્વારા મેટ્રો સ્ટેશનથી અન્ય વિસ્તારોમાં જવા માટેના સરક્યુલર રૂટ દોડાવવાનું નક્કી કરાયું છે. જેમાં હાલ થલતેજના મેટ્રો સ્ટેશનથી પ્રાયોગિક ધોરણે બે રૂટ શરૂ કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનને સારો ટ્રાફિક મળી રહ્યો છે. પ્રવાસીઓને મેટ્રો સ્ટેશનથી અન્ય સ્થળોએ જવા માટે ઓટોરિક્ષામાં અથવા ચાલતા જવું પડે છે. જેને ધ્યાનમાં રાખી હવે મેટ્રો સ્ટેશન વિસ્તારમાં AMTS દ્વારા ફીડર બસની શરૂઆત કરવામાં આવી છે. થલતેજ મેટ્રો સ્ટેશનથી સરક્યુલર રૂટ ચાલુ કરવામાં આવી છે.. પ્રાયોગિક ધોરણે બે બસો મૂકવામાં આવશે. મેટ્રોના મુસાફરો પોતાના ઘર સુધી અને એસજી હાઈવે પર જવા માંગતા હોય તેમના માટે હાલમાં રેગયુલર ભાડાથી આ ફીડર બસ શરૂ કરવામાં આવી છે. સરકયુલર રૂટ થલતેજ મેટ્રો સ્ટેશનથી શાંતીનાથ મહાદેવ (જય અંબેનગર), બોડકદેવ સરકારી વસાહત, જજીસ બંગલા, માનસી કોમ્પલેક્ષ, નહેરૂપાર્ક (વસ્ત્રાપુર તળાવ), અંધજન કેળવણી મંડળ, જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ, સમર્થ સોસાયટી, સુભાષચોક, સુરધારા સર્કલ, સરખેજ-ગાંધીનગર ક્રોસ રોડ થઇ થલતેજ મેટ્રો સ્ટેશન સુધી જશે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ચેરમેને જણાવ્યું હતું કે, શહેરના મુખ્ય બસ ટર્મિનસ ગણાતા એવા લાલ દરવાજા બસ ટર્મિનસને હેરિટેજ લુક આપી નવું બનાવવામાં આવ્યું છે. લાલ દરવાજા જેવું જ હવે સારંગપુર બસ ટર્મિનસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હેરિટેજ લુક ધરાવતું વધુ એક બસ ટર્મિનસ બનાવવા માટે ટ્રાન્સપોર્ટ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે. રૂપિયા 1.5થી 2 કરોડના ખર્ચે બસ ટર્મિનસ બનાવવામાં આવશે. જો કે, લાલ દરવાજા બસ સ્ટેન્ડની ડિઝાઈનથી થોડું અલગ બસ ટર્મિનસ બનાવવામાં આવશે.