અમદાવાદઃ શહેરમાં જાહેર પરિવહનની મુખ્ય સેવા ગણાતી એએમટીએસ વર્ષોથી ખોટ કરી રહી છે. અને ખોટને સરભર કરવા માટે મ્યુનિ.કોર્પોરેશન પાસેથી લોન લેવાની ફરજ પડે છે. એએમટીએસની તમામ બસ કોન્ટ્રાક્ટથી ચલાવવામાં આવી રહી હોવા છતાં ખોટમાં વધારો થઈ રહ્યો છે. આમ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ટ્રાન્સપોર્ટ સર્વિસ AMTS જે કરોડો રૂપિયાના દેવાથી ચાલી રહી છે. ત્યારે શહેરમાં મીની ડેકોરેટિવ બસ શેલ્ટરો ઊભા કરવા માટે મ્યુનિ. કોર્પોરેશનના તમામ કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી બજેટ ફાળવી અને મીની ડેકોરેટિવ બસ શેલ્ટરો ઊભા કરવાની દરખાસ્ત ગુરૂવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટિમાં મુકવામાં આવી છે. કરોડો રૂપિયાના દેવા હેઠળ હોવાના કારણે સારી સુવિધા નથી આપી શકાતી, જેથી હવે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી પૈસા મેળવી અને તેઓના નામ સાથે ડેકોરેટિવ બસ શેલ્ટર ઊભા કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ યાને AMTS છેલ્લા કેટલાક વર્ષોથી ખોટ કરી રહી હોવાથી કરોડો રૂપિયાના દેવા હેઠળ છે. ધારાસભ્યને સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી બસ સ્ટેન્ડને તૈયાર કરવામાં આવે છે. શહેરમાં 9000થી વધુ બસ સ્ટેન્ડ આવેલા છે પરંતુ માત્ર 774 બસ શેલ્ટરો પર જાહેરાત લેવામાં આવે છે. જેનાથી દર વર્ષે અંદાજિત રૂપિયા 9 કરોડની આવક થાય છે. પ્રવાસીઓને વધુ સારી સુવિધા મળી રહે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી હવે બસ સેન્ટરો ઉભા કરવાની દરખાસ્ત ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી છે. જો દરેક કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી પૈસા મળે તો મીની ડેકોરેટિવ શેલ્ટર ઉભા થઈ શકે છે. જેથી આ દરખાસ્ત લાવવામાં આવી છે પરંતુ સવાલ એ છે કે જે સંસ્થા કરોડો રૂપિયાનું દેવું કરી રહી છે છતાં પણ તેને અન્ય કોઈ રીતે દેવાના બોજ હેઠળથી મુક્ત કરવાની જગ્યાએ કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી જ ખર્ચો કરી અને શેલ્ટરો ઉભા કરવા પડશે.