પાલનપુર નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા પતિ-પત્નીના મોત, બાળક સહિત બેને ઈજા
પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પાલનપુર નજીક સર્જાયો હતો. પાલનપુરના માલણ ગામ પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર દંપતીનું મોત નિપજ્યું હતું. જ્યારે એક બાળક સહિત બે લોકોને ઈજાઓ થતા સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લામાં બીજો અકસ્માતનો બનાવ ડીસાના જેનાલ ગામે બન્યો હતો, જેમાં જીપડાલુ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનોને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા હતા.
પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, પાલનપુર માલણ ગામે પાસે એક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. જ્યારે એક બાળક સહિત બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. એક રિક્ષામાં એક દંપતી તેમના બાળક સહિત બે લોકો માલણ ગામ તરફથી પાલનપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી કાર સાથે રિક્ષાનો અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. અને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતનો બીજો બનાવ ડીસા તાલુકાના જેનાલ ગામે બન્યો હતો. જેમાં પીકઅપ જીપડાલુ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર બે યુવકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ડીસા તાલુકાના જેનાલ ગામે બાઈક અને પીકઅપ જીપડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. છત્રાલા ગામના રહેવાસી 35 વર્ષીય જશવંતભાઈ ખોડાજી દરબાર અને 40 વર્ષીય કાળુજી સંગ્રામજી દરબાર બાઇક લઈને દામા તરફ જઈ રહ્યા હતા અને જેમાંલ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક સામેથી આવી રહેલું પીકઅપ જીપડાલુ અને બાઈક સામસામે ટકરાતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇકસવાર બંને યુવકો રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી અને ઇજાગ્રસ્ત બંને લોકોને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.