પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ બે અકસ્માતોના બનાવો ન્યા હતા પ્રથમ અકસ્માતનો બનાવ અમીરગઢના જોરાપુરા પાટિયા નજીક એક ઇકો અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. જ્યારે બીજો અકસ્માતનો બનાવ ભારતમાલા હાઇવે પર પીલુડા માર્કેટ પાસે સ્કોર્પિયો કારના ચાલકે કાબુ ગુમાવતા કારે પલટી ખાધી હતી. જો કે બન્ને અકસ્માતોના બનાવોમાં કોઈ જાનહાની થઈ ન હતી.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં રાજસ્થાનથી અમદાવાદ પાંચ મિત્રો ઈકોકારમાં જઈ રહ્યા હતા.ત્યારે અમીરગઢ પાસે આવેલા નેશનલ હાઈવે પર જોરાપુરા પાટિયા પાસે ઈકો કારના ચાલકે ઓવરટેક કરવા જતા બાજુમાં ચાલી રહેલા ટ્રક સાથે ધડાકા ભેર ટક્કર થઈ હતી. જેના કારણે ઈકો કારના આગળના ભાગના કુર્ચે કુર્ચા ઉડી ગયા હતા બનાવના પગલે અમીરગઢ પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી હતી. ઈકોના કારચાલક સહિત કુલ ત્રણ મિત્રોને ઈજા પહોંચી હતી. જેમાંથી બે મિત્રોને ગંભીર પહોંચતા તત્કાલિક પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવને લઇ અમીરગઢ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે
અકસ્માતનો બીજો બનાવ ભારતમાલા હાઇવે પર સર્જાયો હતો. જેમાં પીલુડા માર્કેટ પાસે સ્કોર્પિયો કારના ચાલકે કાબૂ ગુમાવતા કારે પલટી ખાતાં બે વ્યક્તિઓને ઇજાઓ થતાં 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બનતાં લોકોનાં ટોળાં ટોળા ઉમટી પડ્યા હતા.
સાંચોર બાજુથી ભારતમાલા હાઇવે પર આવી રહેલા સ્કોર્પિયો કારને પીલુડા માર્કેટ યાર્ડ પાસે અકસ્માત સર્જાયો હતો. સુધા માતાજીના દર્શન કરી ઘરે પરત ફરતાં સ્કોર્પિયો કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું. કારમાં સવાર લોકોમાં બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતાં 108 મારફતે થરાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.