નવસારીઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં ચીખલી પાસેના આલીપોર બ્રિજ ઉપર કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર જતી રહી હતી. ઈનોવા કારમાં પ્રવાસ કરી રહેલા ચાર લોકોના ઘટનાસ્થળે મોત થયાં હતા, જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેમને સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કારમાં સવાર યુવકો બેન્કોકથી મુંબઈ એરપોર્ટ આવ્યા હતા, જ્યાથી કાર લઈ સુરત તરફ જઈ રહ્યા હોવાની પ્રાથમિક વિગતો મળી છે. અકસ્માત બાદ કારના સ્પીડો મીટર પર લાસ્ટ સ્પીડ 170ની જોવા મળી રહી છે, જેથી ઓવરસ્પીડના કારણે પણ અકસ્માત બન્યો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જોકે આ અકસ્માતને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નવસારી પાસેથી પસાર થતો નેશનલ હાઈવે 48 ફરી એકવાર મોતની ચીચીયારીઓથી કપકપી ઉઠ્યો છે. ચીખલી હાઇવે પર આલીપોર બ્રિજ ઉપર ટ્રક અને કાર વચ્ચેની ટક્કરમાં થયેલા અકસ્માતમાં 4 ના મોત થયા હતા. જ્યારે 2 લોકોને ગંભીર રીતે ઈજા થઈ હતી. નેશનલ હાઇવે નં. 48 પર ચીખલી નજીક વહેલી સવારે અકસ્માત થયો હતો. આ એ સમય હતો, જ્યાં વાતાવરણમાં ઠંડીને કારણે ધુમ્મસ ફેલાયેલુ હતું. હાઇવે પર આલીપોર બ્રિજ ઉપર કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં ઈનોવા કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. બે લોકોને ગંભીર અવસ્થામાં સુરતની હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટના બાદ નવસારી DYSP સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ચીખલી પોલીસે અકસ્માતના બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ અકસ્માતમાં મૃતકોના નામ જાણવા મળ્યા છે. જેમાંઅમિત દોલતરામ થડાની (ઉ.વ 41 રહે, સી-106 વાસ્તગ્રામ એપાર્ટમેન્ટ વેસુ, હેપી રેસીડેન્સી પાછળ, સુરત), ગૌરાંગ નંદલાલ અરોરા (ઉ.વ.40 રહે, 92, સુભાષનગર ઘોડધોળ રોડ, સુરત), રોહિત સુભકરણ માહુલ (ઉ.વ.40 રહે, પ્લોટ નં 3 સાંઈ આશિષ સોસાયટી સુરત) અને મહમદ હમજા મહમદ હનીફ ઈબ્રાહીમ પટેલ (ઉ.વ.19 રહે,115 – એ-9 પોસાડ આવાસ ભરથાણા સુરત)નો સમાવેશ થાય છે. જ્યારે ઈજાગ્રસ્તો ના નામો રીષી એન્જીનીયર અને વિકાસ સરા (બન્ને રહેવાસી સુરત) હોવાનું જાણવા મળ્યું છે. આલીપોર બ્રિજ પર કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચેલી ચિખલી પોલીસે ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો.