Site icon Revoi.in

અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા પાસે પોલીસ વાન અને ટેન્કર સર્જાયો અકસ્માત

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર જુદા જુદા બે અકસ્માતોના બનાવો બન્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ સાયલા નજીક પોલીસવાન અને ટેન્કર વચ્ચે સર્જાયો હતો. આ ણકસ્માતના બનાવમાં બે પોલીસ કર્મચારીઓને ઈજાઓ થઈ હતી. જ્યારે બીજો અકસ્માતનો બનાવ ચોટિલા નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. જેમાં બાઈકચાલકને ઈજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, અમદાવાદ- રાજકોટ હાઈવે પર સાયલા પાસે પોલીસ વાન તેમજ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા બે પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. સાયલાના જસાપર ચોકડી પાસે અકસ્માતનો આ બનાવ બન્યો હતો. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચની  પોલીસ વાનનો અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતની ઘટનામાં બે પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. આ અકસ્માતની ઘટના બાદ બન્ને ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. ટેન્કરના ચાલક ટેન્કર મૂકી ફરાર થયો હતો. જ્યારે આ અકસ્માતની ઘટનાના પગલે થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રષ્યો સર્જાયા હતા. આ ઘટનાના પગલે પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બીજા અકસ્માતના બનાવવની વિગતો એવી જાણવા મળી છે કે, ચોટીલા હાઈવે પર બાઇક સવાર યુવાનને કાર ચાલકે અડફેટે લેતા બાઈકસવાર યુવાનને ઇજાઓ પહોંચી હતી. ચોટીલા હાઈવે પર બાઈકસવાર સાંગાણી ગામે જઈ રહ્યા હતા. દરમિયાન હોટલના ગ્રાઉન્ડમાંથી કારચાલકે ફૂલ સ્પીડે ડ્રાઇવિંગ કરી કાર બાઈક સાથે અથડાવતા બાઈકસવાર અજનાનભાઈને ગળાના ભાગે ઇજાઓ પહોંચી હતી. આથી સારવાર માટે  રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ચોટીલા પોલીસે કારચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.