Site icon Revoi.in

અમદાવાદના SG હાઈવે પર મોડી રાતે ટ્રક અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત

Social Share

અમદાવાદઃ શહેરના એસજી હાઇવે પર YMCA ક્લબ પાસે ગત મોડી રાતે ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. લોખંડના પાઇપ ભરેલી ટ્રકની પાછળ ડમ્પર ઘૂસી જતા ડમ્પરચાલકનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતને લીધે મોડી રાતે પણ રાહદારીઓ અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા પોલીસ અને 108 એમ્બ્યુલન્લને જાણ કરી હતી. ડમ્પરના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પતરા કાપીને ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ આ સમગ્ર મામલે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદ શહેરમાં એસજી હાઇવે પર ગત મોડીરાત્રે 3:30 વાગ્યાની આસપાસ લોખંડની પાઈપ ભરીને જઈ રહેલી ટ્રકની પાછળ ડમ્પર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર ચાલકનું મોત થયું હતું. એસજી હાઈવે વાયએમસીએ કલબ નજીક મોડીરાતે 3.30 વાગ્યા આસપાસ અકસ્માત સર્જાતા લોકો ભેગા થવા લાગ્યા હતા બનાવની જાણ થતા  ટ્રાફિક પોલીસની ટીમ પણ બનાવના સ્થળે પહોંચી હતી. આ અંગે એસજી 2 પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એ. ગોહિલે જણાવ્યું હતું કે, એસજી હાઇવે YMCA ક્લબ પાસે મોડીરાત્રે 3:30ના અરસામાં એક્સિડન્ટ થયું છે. જેમાં પ્રાથમિક વિગત એવી છે કે, લોખંડના પાઈપ ભરેલી ટ્રકની પાછળ માટી ભરેલું ડમ્પર ઘૂસી જતા ડ્રાઇવરનું મોત થયું છે. ફાયર વિભાગ દ્વારા અને પોલીસ દ્વારા મૃતદેહ બહાર કાઢી પીએમ માટે ખસેડી આગળની તપાસ ચાલુ છે.