- કારમાં સવાર બે પ્રવાસીને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડાયા,
- અકસ્માત બાદ એસટી બસ ખાડામાં ઉતરી ગઈ,
- અકસ્માતને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પાટડી તાલુકાના બજાણા નજીક હાઈવે પર એસટી બસ અને કાર વચ્ચે સર્જાયો હતો. બજાણા નજીક આવેલા રેલવે ફાટક પાસે એસટી બસ અને કારનો ગોઝારો અકસ્માત સર્જાયા બાદ એસટી બસ ખાડામાં ઘૂસી જતા બસમાં સવાર મુસાફરોનો જીવ પડીકે બંધાયો હતો. આ અકસ્માતના બનાવની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. કારમાંથી બે પ્રવાસીને બહાર કાઢ્યા હતા. અને ગંભીરરીતે ઘવાયેલા બન્ને પ્રવાસીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
આ અકસ્માતના બનાવ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાધનપુર રાજકોટ રૂટની બસ પાટડીથી રાજકોટ તરફ જઇ રહી હતી, ત્યારે પાટડીના બજાણા નજીક આવેલા રેલ્વે ફાટક પાસે પહોચતા સામેથી પૂરઝડપે આવી રહેલી એક કાર સાથે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને તાકીદે સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનમાં પાટડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ગોઝારા અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતની ઘટનાની જાણ બજાણા પોલીસને થતાં બજાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો. અને અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ઘરી હતી.