Site icon Revoi.in

અમદાવાદમાં સિન્ધુભવન રોડ પર મોડી રાત્રે કાર રેસિંગ દરમિયાન સર્જાયો અકસ્માત

Social Share

અમદાવાદઃ શહેરમાં હાઈફાઈ ગણાતા સિન્ધુનગર ભવન રોડ પર મધરાત બાદ બે નબીરા કારચાલકો વચ્ચે રેસિંગની શરત લાગી હતી અને પુરપાટ ઝડપે કાર હંકારી હતી, જેમાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મર્સિડીઝ કારની ઝડપ એટલી હતી કે તે બેકાબૂ બની હતી અને તેમાંથી વ્હીલ પણ નીકળી ગયું હતું તેમ છતાં 500 મિટર જેટલી ઢસડાતી રહી હતી. રાત્રે આ વિસ્તારમાં અવારનવાર આવા બનાવો બને છે. પોલીસનો કોઈ અંકુશ હોય તેમ લાગતું નથી.

અમદાવાદનો સિંધુ ભવન રોડ બેફામ બનેલા નબીરાનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. દિવાળીની રાત્રે વધુ બે નબીરાએ પૂરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. વહેલી પરોઢે સિંધુ ભવન રોડ પર રિશિત પટેલ નામના નબીરાએ મર્સિડીઝ કારથી અકસ્માત સર્જ્યો હતો. પૂરપાટ ઝડપે મર્સિડીઝ કાર ચલાવી અન્ય બે કારને ટક્કર મારી હતી  કારની રેસ લગાવવાના ચક્કરમાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયો ત્યારે વહેલી પરોઢને લીધે નહીવત ટ્રાફિક હોવાથી જાનહાની ટળી હતી. તથ્ય પટેલના ઈસ્કોન અકસ્માત બાદ પણ નબીરાઓ સુધર્યા નથી.

અમદાવાદમાં નબીરાઓએ કાયદા અને પોલીસનો જાણે કોઈ ડર ન હોય તેમ રેસિંગની શરત લગાવી હતી અને બેફામ કાર ચલાવતા બે કારો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. શહેરના સિંધુ ભવન રોડ પર રેસિંગના ચક્કરમાં મર્સડીઝ કારચાલકે એક સાથે બે કારને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો. આકસ્માતની ઘટના આશરે વહેલી સવારે 3 વાગ્યે બની હતી. મર્સિડીઝ કારની સ્પીડ એટલી હતી કે કાર સાથે અકસ્માત સર્જ્યા બાદ વ્હીલ નીકળી ગયું હતું તેમ છતાં 500 મિટર સુધી ઢસડાતી રહી હતી.

આ અકસ્માતની ઘટના અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે પ્રાથમિક તપાસ દરમિયાન મર્સિડીઝ કાર રિશીત પટેલ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. અને બીજી કાર વર્ના હોવાની માહિતી મળી છે જો કે આ કાર કોણ ચલાવતું હતું તેની હાલ કોઈ જાણકારી મળી નથી. આ અકસ્માતમાં કોઈ મટી જાનહાની નથી. રેસિંગના ચક્કરમાં નબીરાઓ બેફામ બન્યા હતા. રેસિંગ કરતી વખતે વર્નામાં જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. કાર ચાલક નબીરાઓ નશાની હાલતમાં હોવાનું કહેવાય છે. નબીરાના પરિવારજનો આવીને મારામારી કરી હતી. મારામારી કરી કારમાંથી પૂરાવા દૂર કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ આ અકસ્માતને નજરે જોનારાઓનું કહેવું છે.