અમદાવાદઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ જસદણ-અમદાવાદ હાઈવે પર સર્જાયો હતો. રવિવારે વહેલી સવારે જસદણ-અમદાવાદ હાઈ-વે પર ગેસ સિલિન્ડ ભરેલી ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડમ્પરની કેબિનનો બુકડો બોલી ગયો હતો. જેમાં ફસાયેલા ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં ટ્રકના પેસેન્જર અને ડમ્પરચાલકને ગંભીર ઈજા થતાં બન્નેને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, રવિવારે વહેલી સવારે જસદણ-અમદાવાદ હાઈવે પર ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં બેસેલા પેસેન્જરને ઉતારવા માટે ટ્રકચાલકે ભાયલા મોગલધામના ગેટની સામે ટ્રકને રોડની સાઈડમાં રોકી હતી. આ સમયે જ પાછળથી આવતા ડમ્પરચાલકે ટ્રકના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં ડમ્પરની કેબિનનો બુકડો બોલી ગયો હતો. ડમ્પરના આગળના ભાગનો બુકડો બોલી જતાં ડમ્પરચાલક તેમાં ફસાઈ ગયો હતો.
આ અકસ્માતમાં ટ્રકમાંથી ઊતરી રહેલા પેસેન્જરને ગંભીર ઈજા પહોંચી હતી. તો સાથે જ ડમ્પરની કેબિનમાં ફસાયેલા ચાલકને હાજર લોકોએ મહામહેનતે બહાર કાઢી ઈજાગ્રસ્ત બન્ને લોકોને તાત્કાલિક ઈમર્જન્સી 108 મારફતે સારવાર અર્થે ભાયલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભાયલા મોગલધામના ગેટની સામે જ અકસ્માત થતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.