નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો વપરાશ વધ્યો છે. જ્યારે મોટી સંખ્યામાં બાળકો ઓનલાઈન ગેમિંગના રવાડે ચડી રહ્યાં છે. દરમિયાન કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગને લઈને એક્ટ બનાવવાની દિશામાં કવાયત શરૂ કરી છે.
સંસદના શિયાળુ સત્રમાં આજે લોકસભામાં ઓનલાઈન ગેમિંગ અને રેલવે અંગે ચર્ચા થઈ હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર બાળકોમાં વધી રહેલા ઓનલાઈન ગેમિંગના ચલણને લઈ સતર્ક છે. કાયદા સમિતિ દ્વારા ઓનલાઈન ગેમિંગને લઈ એક્ટ બનાવવામાં આવશે.
મહારાષ્ટ્રને રેલવે બજેટમાં 13 હજાર 230 કરોડ આપવા બદલ મુંબઈ કલ્યાનના સાંસદ શ્રીકાંત શિંદેએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. તેમણે રેલવેની જગ્યાએ રહેતા લોકોના વિસ્થાપન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગની અપીલ કરી હતી. કેન્દ્રીય મંત્રીએ રેલવે અંગે જાણકારી આપી હતી કે, રેલવેનું ખાનગીકરણ નહીં કરવામાં આવે. દેશભરના 1 હજાર 200 રેલવે સ્ટેશનોનું નવિનીકરણ થઈ રહ્યુ છે. સરકારના જ ફંડ થકી આ કાર્ય થઈ રહ્યું છે. જેમાં ખાનગી કંપનીની કોઈ ભાગીદારી રહેલી નથી.
(Photo-File)