વિકસિત ભારત માટે ભ્રષ્ટાચાર બાબતે ઝીરો ટોલરન્સ સાથેની વહીવટી ઇકોસિસ્ટમ તૈયાર કરવી પડશે: નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આવેલા વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્રીય તકેદારી આયોગ (CVC)ના તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન આપ્યું હતું અને આ પ્રસંગે CVCના નવા ફરિયાદ વ્યવસ્થાપન પ્રણાલી પોર્ટલનો પણ પ્રારંભ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, વિકસિત ભારત માટે, આપણે ભ્રષ્ટાચાર બાબતે ઝીરો ટોલરન્સ સાથેની વહીવટી ઇકોસિસ્ટમ તૈયાર કરવી પડશે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધન આપતા તેમણે જણાવ્યું હતું કે, સરદાર પટેલની જન્મજયંતિથી તકેદારી જાગૃતિ સપ્તાહનો પ્રારંભ થયો હતો. તેમણે કહ્યું હતું કે, “સરદાર પટેલનું આખું જીવન પ્રામાણિકતા, પારદર્શિતા અને આ મૂલ્યો પર આધારિત જાહેર સેવા વ્યવસ્થાના નિર્માણ માટે સમર્પિત રહ્યું હતું”. જાગૃતિ અને સતર્કતાને કેન્દ્રમાં રાખતું આ અભિયાન પણ આ સિદ્ધાંતો પર આધારિત છે. તેમણે એ બાબતને ધ્યાનમાં લીધી હતી કે, ભ્રષ્ટાચાર મુક્ત ભારતના સપનાં અને આકાંક્ષાઓને સાકાર કરવા તકેદારી જાગૃતિ સપ્તાહનું અભિયાન ચાલી રહ્યું છે અને દરેક નાગરિકના જીવનમાં તેના મહત્વને પણ તેમણે રેખાંકિત કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, વિકસિત ભારતના નિર્માણ માટે વિશ્વાસ અને વિશ્વસનીયતા ઘણા મહત્વના છે. જો લોકોને સરકારમાં વિશ્વાસ હોય તો લોકોના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. નરેન્દ્ર મોદીએ હકીકત પર અફસોસ વ્યક્ત કર્યો કે, અગાઉની સરકારોએ માત્ર લોકોનો વિશ્વાસ જ ન હતો ગુમાવ્યો પરંતુ લોકો પર વિશ્વાસ મૂકવામાં પણ તે નિષ્ફળ રહી હતી. દુર્ભાગ્યની વાત એ છે કે, ભ્રષ્ટાચાર, શોષણ અને સંસાધનો પર અંકુશ રાખવાના ગુલામીના લાંબા ગાળાના વારસાને, આઝાદી પછી વધુ બળ મળ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આનાથી આ દેશની ઓછામાં ઓછી ચાર પેઢીઓને ભારે નુકસાન થયું છે. નરેન્દ્ર મોદીએ નિર્દેશ કર્યો હતો કે, “આપણે આઝાદીના અમૃતકાળમાં દાયકાઓથી ચાલતી આ પ્રથાને સંપૂર્ણપણે બદલવી પડશે”.
ભ્રષ્ટાચાર સામેની નિર્ણાયક લડાઇ માટે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને પોતે આહ્વાનનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ પોતાની વાત આગળ વધારીને ભ્રષ્ટાચાર અને લોકોની પ્રગતિમાં અવરોધ ઉભો કરનારા બે મુખ્ય કારણો ગણાવ્યા હતા જેમાં, સુવિધાઓનો અભાવ અને સરકારનું બિનજરૂરી દબાણ આ બંને મુખ્ય પરિબળો હોવાનું કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઘણા લાંબા સમય સુધી જાણીજોઇને, સુવિધાઓ અને તકોની આ ગેરહાજરીની સ્થિતિને જીવંત રાખવામાં આવી હતી અને આ અંતરાયને એટલી હદે વ્યાપક થવા દેવામાં આવ્યો હતો કે જેના કારણે કોઇને ફાયદો ન થાય તેવી બિન-આરોગ્યપ્રદ સ્પર્ધાનો માહોલ સર્જાયો હતો. આ સ્પર્ધાના કારણે ઇકોસિસ્ટમમાં ભ્રષ્ટાચારના બીજ રોપાયા. અછતના કારણે સર્જાયેલો ભ્રષ્ટાચાર ગરીબ અને મધ્યમ વર્ગને સૌથી વધુ અસર કરે છે.
તેમણે સવાલ કર્યો હતો કે, “જો ગરીબ અને મધ્યમ વર્ગ મૂળભૂત સુવિધાઓની વ્યવસ્થા કરવા માટે તેમની તાકાત ખર્ચી નાખો, તો દેશ કેવી રીતે પ્રગતિ કરશે?” પીએમએ ટિપ્પણી કરી હતી કે, “આથી જ, અમે છેલ્લા 8 વર્ષથી અછત અને દબાણની આ વ્યવસ્થામાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સરકાર માંગ અને પુરવઠા વચ્ચેની ખાઇને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે અપનાવવામાં આવેલી ત્રણ રીતો સમાયેલી છે જેમ કે, ટેકનોલોજીમાં પ્રગતિ, મૂળભૂત સેવાઓને સંતૃપ્તિ સ્તર પર લઇ જવી અને અંતે, આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધવું.”
નરેન્દ્ર મોદીએ ટેકનોલોજીના ઉપયોગના સંદર્ભમાં, PDSને ટેકનોલોજી સાથે સાંકળવાનો અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) અપનાવીને કરોડો નકલી લાભાર્થીઓને દૂર કરવાનો તેમજ 2 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ ખોટા લોકોના હાથમાં જવાથી બચાવવાનો ઉલ્લેખ કર્યો હતો. એવી જ રીતે, પારદર્શક ડિજિટલ વ્યવહારો અપનાવવાથી અને GeMના માધ્યમથી પારદર્શક સરકારી ખરીદી પણ ખૂબ જ મોટું પરિવર્તન આવશે.
પાયાની સુવિધાઓને સંતૃપ્તિના સ્તરે લઇ જવા અંગે વાત કરતા, તેમણે ટાંક્યું હતું કે, કોઇપણ સરકારી યોજના જો દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચે અને સંતૃપ્તિના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં આવે તો ભ્રષ્ટાચારના અવકાશને દૂર કરીને સમાજમાં ભેદભાવનો અંત લાવી શકાય છે. દરેક યોજનાનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે સરકાર દ્વારા અપનાવવામાં આવતા સંતૃપ્તિના સિદ્ધાંત પર પ્રકાશ પાડતા નરેન્દ્ર મોદીએ પાણીના જોડાણો, પાકાં મકાનો, વીજ જોડાણો અને ગેસ જોડાણોના ઉદાહરણો ગણાવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, વિદેશી ચીજવસ્તુઓ પર વધુ પડતી નિર્ભરતા પણ ભ્રષ્ટાચારનું મોટું કારણ છે. તેમણે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધવા માટે સરકાર જે પ્રકારે ભાર મૂકી રહી છે તેના પર પ્રકાશ પાડ્યો હતો અને રેખાંકિત કર્યું કે, ભારત હવે રાઇફલ્સથી માંડીને ફાઇટર જેટ અને પરિવહન એરક્રાફ્ટ સુધીના પોતાના સંરક્ષણ સાધનોનું ઉત્પાદન કરશે જેથી કૌભાંડોની શક્યતા સમાપ્ત થઇ રહી છે.
CVCને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે દરેકના પ્રયાસોને પ્રોત્સાહન કરતી સંસ્થા તરીકે ગણાવતા નરેન્દ્ર મોદીએ ગઇ વખતે ‘નિવારક તકેદારી’ માટે તેમણે કરેલા અનુરોધને યાદ કર્યો હતો અને તે દિશામાં CVC દ્વારા કરાયેલા પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે તકેદારી સમુદાયને તેમના ઓડિટ અને નિરીક્ષણોને આધુનિક બનાવવા વિશે વિચાર કરવા માટે પણ કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર સામે સરકાર જે ઇચ્છાશક્તિ દાખવી રહી છે, તે જ ઇચ્છાશક્તિ તમામ વિભાગોમાં પણ જોવા મળે તે જરૂર છે. વિકસિત ભારતના નિર્માણ માટે, આપણે ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ (શૂન્ય સહિષ્ણુતા) રાખે તેવી વહીવટી ઇકોસિસ્ટમ વિકસાવવી પડશે”.
તેમણે એવી પ્રણાલી વિશે વાત કરી હતી કે, જ્યાં ભ્રષ્ટાચાર સંબંધિત શિસ્તપાલનની કાર્યવાહી નિર્ધારિત સમયમાં મિશન મોડમાં પૂરી થાય. તેમણે ફોજદારી કેસો પર સતત દેખરેખ રાખવાનું પણ સૂચન કર્યું હતું અને ભ્રષ્ટાચારના પડતર રહેલા કેસોના આધારે વિભાગોની રેન્કિંગની રીત ઘડી કાઢવા તેમજ સંબંધિત અહેવાલો માસિક અથવા ત્રિમાસિક ધોરણે પ્રકાશિત કરવા જણાવ્યું હતું. પીએમએ ટેકનોલોજીની મદદથી તકેદારી ક્લિયરન્સ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે પણ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, જાહેર ફરિયાદોના ડેટાનું ઓડિટ થવું જોઇએ જેથી સંબંધિત વિભાગમાં થતા ભ્રષ્ટાચારના મૂળ કારણો સુધી આપણે પહોંચી શકીએ.