Site icon Revoi.in

રાજકોટના એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઈટ 5 કલાક મોડી પડતા મુસાફરોએ હોબાળો મચાવ્યો

Social Share

રાજકોટઃ શહેરના એરપોર્ટ પર  એર ઈન્ડિયાની ફ્લાઈટ પાંચ કલાક મોડી પડતા વિમાની મથકે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. એરપોર્ટ પર મુસાફરોએ અધિકારીઓને ઉધડા લીધા હતા. કારણ કે એર ઇન્ડિયાની ફ્લાઈટ પાંચ કલાક મોડી ઉપડતા 100 જેટલા મુસાફરો રઝળી પડ્યા હતા. બપોરના 3.30 વાગ્યાની ફ્લાઈટ સાંજે 7 વાગ્યા સુધી પણ ન ઉપડતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. તેમજ વિદેશ જનારા મુસાફરોને કનેક્ટીંગ ફ્લાઈટ કેન્સલ કરાવવાની ફરજ પડી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ એર ઇન્ડિયાની AI-404 ફ્લાઈટ કોઈ કારણોસર મોડી ઉપડી હતી. રાજકોટથી દિલ્હી ફ્લાઈટ જવાની હતી. જેના કારણે દિલ્હીથી વિદેશ જનારા મુસાફરોને કનેક્ટીંગ ફ્લાઈટ પણ કેન્સલ કરવી પડી હતી. એક મુસાફરે જણાવ્યું હતું કે, હું દિલ્હીમાં રહું છું. રાજકોટથી મારી 3.20 વાગ્યાની ફ્લાઈટ હતી. પરંતુ કોઈ કારણોસર ફ્લાઈટ બંધ હોવાને કારણે બે કલાકથી એરપોર્ટ પર બેઠો છું. અહીંયા કોઈ બીજી ફ્લાઈટનું એરેન્જમેન્ટ પણ નથી. કાલની ફ્લાઈટમાં એક પણ સીટ ખાલી નથી. મોટી ઉંમરના લોકો પરેશાન છે, તેમજ ખાવા-પીવામાં પણ મુશ્કેલી પડી રહી છે. અન્ય એક મુસાફરે જણાવ્યું હતું કે, મારી રાજકોટથી દિલ્હીની એર ઇન્ડિયાની ફ્લાઈટ હતી. પરંતુ કોઈ કારણોસર ઉપડી નથી. નથી બહાર જવા દેતા કે નથી ખાવા-પીવાની વ્યવસ્થા કરતા. બાળકો સહિત મોટા બધા પરેશાન છે. પૂછવા જઈએ તો કહે છે કે, 15 મિનિટ રાહ જોવો, કોઈ સ્પષ્ટ જવાબ આપતા નથી. એર ઈન્ડિયાની ફ્લાઈટ પાંચ કલાક મોડી પડતા વાયા દિલ્હી થઈને વિદેશ જનારા પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. કારણ કે વિદેશી ફ્લાઈટ ચૂકી જવાની સ્થિતિ સર્જાતા પ્રવાસીઓને ટિકિટ કેન્સલ કરાવવાની ફરજ પડી હતી.