Site icon Revoi.in

સંસદના શિયાળુ સત્ર પહેલા 28 નવેમ્બરે સર્વપક્ષીય બેઠક યોજાશે,પીએમ મોદી થઇ શકે છે સામેલ

Social Share

દિલ્હી : સંસદના શિયાળુ સત્ર પહેલા 28 નવેમ્બરે સર્વપક્ષીય બેઠક યોજાય તેવી શક્યતા છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લઈ શકે છે.આગામી સોમવાર એટલે કે 29 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. છેલ્લા દોઢ વર્ષમાં યોજાયેલા સંસદ સત્રની જેમ શિયાળુ સત્ર પણ કોવિડ-19 પ્રોટોકોલને અનુસરીને યોજાશે. સમગ્ર સત્ર દરમિયાન લગભગ 20 બેઠકો થશે.

સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી યોજવાની ભલામણ કરી હતી. કોવિડ-19 મહામારીને કારણે ગયા વર્ષે સંસદનું શિયાળુ સત્ર યોજાયું ન હતું અને બજેટ સત્ર અને ચોમાસુ સત્ર પણ ટૂંકાવી દેવામાં આવ્યું હતું.

લોકસભા સચિવાલયે તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું હતું કે, “17મી લોકસભાનું સાતમું સત્ર 29 નવેમ્બર 2021ના રોજ શરૂ થશે. સત્તાવાર વ્યવસાયની આવશ્યકતાઓને આધિન, સત્ર 23 ડિસેમ્બર, 2021 ના રોજ સમાપ્ત થવાની સંભાવના છે.તો,રાજ્યસભાએ પણ આવો જ આદેશ જારી કર્યો હતો.

મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, ખાદ્યતેલના ભાવમાં વધારો, કાશ્મીરમાં સામાન્ય લોકો પર આતંકવાદી હુમલા, ખેડૂતોની હત્યા કરનાર લખીમપુર ખેરી હિંસા જેવા મુદ્દાઓ શિયાળુ સત્ર દરમિયાન સરકારને ઘેરવા માટે વિરોધ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવે તેવી સંભાવના છે.

સંસદનું ચોમાસું સત્ર વિપક્ષ દ્વારા હોબાળાથી પ્રભાવિત થયું હતું, જેમાં પેગાસસ જાસૂસી મુદ્દે અને ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવા પર સરકાર પાસેથી જવાબ માંગવામાં આવ્યો હતો.