ગિરનાર રોપવેના ટિકિટના દરમાં ઘટાડો કરવા કલેક્ટરને આવેદન અપાયું
જુનાગઢઃ ગરવા ગિરનાર પર જવા માટે રોપ-વે બનાવવામાં આવ્યો ત્યારે નિયત કરેલા ટિકિટના દર સામે વિરોધ ઊભો થયો હતો. હવે ગિરનાર રોપવે કાર્યરત થયાને એક વર્ષ પૂર્ણ થતા જેમાં 6.60 લાખ પ્રવાસીઓએ રોપવેની સફર પુરી કરી જંગી આવક 36 કરોડની કરી લીધી છે. ઉષા બ્રેકો કંપનીને એક જ વર્ષમાં ઉંચા ભાડાથી તોતિંગ આવક થઈ છે. તેની સામે સરકારે પણ 18 ટકા જીએસટીના નામે રળી લીધા છે. ત્યારે આ રોપવેનો લાભ સામાન્ય વર્ગ, ગરીબોને મળ્યો નથી.ટિકિટના ઊંચા ભાવને લીધે સામાન્ય વર્ગના લોકો રોપવેમાં બેસી શકતા નથી. આથી રોપવેની ટિકિટના ભાવમાં ઘટાડો કરવાની માગ ઊઠી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જુનાગઢમાં રોપ-વેની ટિકિટના ભાવમાં ઘટાડો કરવા ફરીથી માગ ઊઠી છે. સીપીએમ તથા કોંગ્રેસે રોપવેની ટીકીટ ઘટાડવાની કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન પત્ર આપી દરમિયાનગીરી કરવા જણાવાયું છે. હાલ ગીરનાર રોપવેની ટીકીટ રૂા.700 અને જુનાગઢવાસીઓ માટે 600 છે એક જ વર્ષમાં રોપવેનું સંચાલન કરતી કંપનીને કુલ 36 કરોડની આવક કરી લીધી છે તેમાં સરકારે પણ તેના 18 ટકા જીએસટીરૂપે રળી લીધા છે. એક વર્ષમાં 6.60 લાખ પ્રવાસીઓએ રોપવેની સફર કરી છે જેમાં સામાન્ય પરિવારના લોકો રોપવેમાં જઈ શકતા નથી માત્ર દૂરથી જ રોપવેની ટ્રોલી જોઈને સંતોષ માનવો પડે છે. સીપીએમ અને કોંગી દ્વારા રોપવેના ભાડા ઘટાડવાની માંગ સાથેનું મુખ્યમંત્રીને સંબોધનને આવેદન પાઠવ્યું હતું. સામાન્ય દર 150 અને બાળકો વૃધ્ધો અને દિવ્યાંગો માટે 50નો દર રાખવાની માંગણી કરી છે રોપવેની ટીકીટ ઘટાડવામં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.