Site icon Revoi.in

મહિલા તબીબની હત્યા કેસમાં ઢાંકપીછાડો કરવાનો પ્રયાસ કરાયો હતોઃ સીબીઆઈ

Social Share

નવી દિલ્હીઃ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં સીબીઆઈએ જણાવ્યું હતું કે,કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ કેસમાં ક્રાઈમ સીન સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલામાં ઢાંકપીછાડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સીબીઆઈએ અંતિમ સંસ્કાર બાદ એફઆઈઆર દાખલ કરવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. 20 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે આરજી કાર કોલેજની ઘટના પર સુઓ મોટો દાખલ કરી હતી. તેમજ કોર્ટે સીબીઆઈ અને બંગાળ સરકારને આ ઘટનાની તપાસ અંગેનો સ્ટેટસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે ગુનાના સ્થળને સુરક્ષિત કરવામાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરી હતી. મુખ્ય ન્યાયાધીશે સુનાવણી દરમિયાન કહ્યું કે, અકુદરતી મૃત્યુ કેસની માહિતી સવારે 10.10 વાગ્યે આપવામાં આવી હતી, જ્યારે ક્રાઈમ સીન સવારે 11.45 વાગ્યે સુરક્ષિત કરવામાં આવ્યો હતો. આ ખૂબ જ ચિંતાજનક હકીકત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરજી કાર મેડિકલ કોલેજ કેસમાં સુપ્રીમ કોર્ટમાં બંગાળ સરકારનું પ્રતિનિધિત્વ કરતી કાનૂની ટીમમાં 21 વકીલોનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારની લીગલ ટીમમાં 5 વકીલોનો સમાવેશ થાય છે.

સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં બનેલી ઘટના પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને ડોક્ટરોની સુરક્ષા માટે નેશનલ ટાસ્ક ફોર્સ બનાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો. કોર્ટે બંગાળ સરકાર અને પોલીસને આડેહાથ લીધી હતી. RG કાર મેડિકલ કોલેજમાં અપરાધના સ્થળને સુરક્ષિત કરવામાં સક્ષમ ન હોવા બદલ સુપ્રીમ કોર્ટે બંગાળ પોલીસને ઠપકો પણ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની કાર્યશૈલી પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે કેટલાંક કલાકો વીતી જવા છતાં પ્રિન્સિપાલે એફઆઈઆર કેમ નોંધાવી નથી. સુપ્રીમ કોર્ટે એ વાત પર પણ નારાજગી વ્યક્ત કરી હતી કે મૃતકના પરિવારજનોને મૃતદેહ જોવા માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી.

#JusticeForDoctors #DoctorMurder #CBIInvestigation #TruthWillPrevail #CoverUp #JusticeForWomen