Site icon Revoi.in

અમદાવાદમાં વેક્સિનેશન ઝૂંબેશમાં રોજ એક લાખના ટાર્ગેટ સામે સરેરાશ 40 હજાર લોકો વેક્સિન લે છે

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, બીજીબાજુ કોરોનાના સંભવિત ત્રીજા વેવે પહેલા વેક્સિનેશન અભિયાન આદરવામાં આવ્યું છે.21 જૂનથી 18થી 44 વયજૂથના લોકોને ઓનલાઈન રજિસ્ટ્રેશન વગર વેક્સિન આપવા કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી તેના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન સેન્ટરની સંખ્યા વધારીને 400 કરવામાં આવી છે. મ્યુનિ.એ રોજ એક લાખ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ બનાવ્યો હતો. જોકે પહેલા દિવસે ટાર્ગેટ પુરો થઈ શક્યો નહોતો અને ફકત 38 હજાર 311 લોકોનું વેક્સિનેશન થયું હતું. ફકત 38 ટકા ટાર્ગેટ પુરો થયો હોવાથી મ્યુનિ. કમિશનરે મ્યુનિ. હેલ્થ વિભાગના અધિકારીઓને ઠપકો આપ્યો હતો અને વેક્સિનેશન ઘટવા અંગે સ્પષ્ટતા માગી હતી. પરંતુ બુધવારે ત્રીજા દિવસે થયેલા વેક્સિનેશનમાં 41 હજાર 887 લોકોએ વેક્સિન લીધી હતી.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા શહેરમાં દરરોજ સરેરાશ 30 હજાર લોકોનું વેક્સિનેશન થઈ રહ્યું છે. અત્યાર સુધી એક દિવસમાં સૌથી વધુ ત્રીજી એપ્રિલના રોજ શહેરમાં 40 હજાર 990 લોકોને વેક્સિન અપાઈ હતી. સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા વેક્સિનેશન જ એક માત્ર વિકલ્પ હોવાથી મ્યુનિ. એ કોવિડ વેક્સિનેશન મહાભિયાનનો પ્રારંભ કર્યો હતો. મહાભિયાન શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ વધુમાં વધુ લોકોનું ઝડપી વેક્સિનેશન કરવાનો છે. મહાઅભિયાનને લઈ મ્યુનિ.ની તમામ તૈયારીઓ છતાં સોમવારે પ્રથમ દિવસે ફકત 38 હજાર લોકોને જ વેક્સિન અપાઈ હતી. જ્યારે મંગળવારે બીજા દિવસે 39 હજાર લોકોએ વેક્સિન લીધી હતી. કોવિડ વેક્સિનેશન મહાભિયાનના ત્રીજા દિવસે શહેરમાં 48હજાર 887 લોકોએ વેક્સિન લીધી હતી. જેમાં 24 હજાર 384 પુરૂષ અને 17 હજાર 503 મહિલાઓએ વેક્સિન લીધી હતી. બુધવારે 18થી 44 વયજૂથના 27 હજાર 359 અને 45 વર્ષ ઉપરના વયજૂથના 10 હજાર 313 લોકોએ વેક્સિન લીધી હતી. શહેરમાં 13 પ્રાઈવેટ હોસ્પિટલોમાં વેક્સિનેશન આપવામાં આવી રહી છે. ત્યારે ટાર્ગેટમાં કચાશ રહી જતાં પ્રથમ દિવસે જ મ્યુનિ. કમિશનરે મ્યુનિ. હેલ્થ વિભાગના અધિકારીઓને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ ટાર્ગેટમાં આંશિક વધારો જોવા મળ્યો છે. મ્યુનિ.કોર્પોરેશનને શહેરમાં 400 વેક્સિનેશન સેન્ટર નિયત કરેલા છે, પરંતુ વેક્સિનેશન લેવા લોકોનો શહેરના 11 મોટા કોમ્યુનિટી હોલમાં ધસારો જોવા મળે છે. હોલની બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે જ્યારે અન્ય સ્કૂલો અને હેલ્થ સેન્ટરો ઉપર ભીડ જોવા મળતી નથી.