કચ્છના ખાવડા પંથકમાં ભૂકંપનો આંચકો, 3ની તીવ્રતા નોંધાઈ
- ખાવડાથી 35 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ
- મધ્યરાત્રિ બાદ કચ્છમાં ભૂકંપનો આંચકો
અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અવારૃ-નવાર ભૂકંપના હળવા આંચકા નોંધાય છે. પેટાળમાં ફોલ્ટલાઈન સક્રીય થઈ હોવાનું ભૂકંપના હળવા આંચકા આવતા હોવાનું જાણકારો માની રહ્યાં છે. દરમિયાન કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી હતી. મધ્ય રાત બાદ કચ્છના ખાવડામાં ભૂકંપનો આંચકો આવતા લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા. સદનસીબે ભૂકંપના આ આંચકામાં મોટી જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છના ખાવડા પંથકમાં રાતના લોકો નિંદ્રા માણી રહ્યાં હતા. દરમિયાન મધ્યરાત્રિ બાદ લગભગ 12.15 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેથી લોકો જાગી ગયા હતા અને ઘરની બહાર દોડી ગયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિકટરસ્કેલ ઉપર 3ની નોંધાઈ હોવાનું જાણવા મળે છે. તેમજ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી અંદાજે 35 કિમી દૂર નોંધાયું હતું. જૂલાઈ મહિનામાં કચ્છમાં ભૂકંપનો આ બીજો આંચકો નોંધાયો છે. 3 જુલાઈના રોજ વહેલી સવારે કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. 3 જુલાઈના રોજ વહેલી પરોઢે લગભગ 3 કલાકે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ આંચકામાં પણ સદનસીબે મોટી જાનહાની થઈ ન હતી. જો કે, કચ્છમાં ફરી એકવાર ભૂકંપના હળવા આંચકાના સિલસિલાને પગલે લોકોમાં વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપની યાદ તાજી થઈ હતી.