1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શિક્ષિત દીકરી પોતાના પિતા અને પતિ બન્ને કુટુંબનું ગૌરવ વધારે છેઃ રાજ્યપાલ દેવવ્રત
શિક્ષિત દીકરી પોતાના પિતા અને પતિ બન્ને કુટુંબનું ગૌરવ વધારે છેઃ રાજ્યપાલ દેવવ્રત

શિક્ષિત દીકરી પોતાના પિતા અને પતિ બન્ને કુટુંબનું ગૌરવ વધારે છેઃ રાજ્યપાલ દેવવ્રત

0
Social Share

મહેસાણાઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહેસાણા ખાતે આંજણા યુવક મંડળ સંચાલિત સ્વ મહાદેવભાઈ નાથુભાઈ ચૌધરી વાંચનાલયનું ઉદ્દઘાટન કરતાં જણાવ્યું હતું કે, શિક્ષિત – સંસ્કારી સમાજ દ્વારા જ સમાજ શ્રેષ્ઠીઓનું નિર્માણ થાય છે. રાજ્યપાલએ આ અવસરે ધર્મપરાયણ-સંસ્કારી ભાવિ પેઢીના નિર્માણ માટે પુસ્તકાલયો અને શિક્ષણ સંસ્થાઓના નિર્માણ માટે સમાજના આગેવાનોને આહ્વાન કર્યું હતું.

રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે કન્યા કેળવણીને અતિ આવશ્યક ગણાવી રાજ્યપાલએ કહ્યું હતું કે, એક શિક્ષિત દીકરી લગ્ન પહેલાં પિતાનું અને લગ્ન બાદ પતિના કુળનું એમ બે કુળનું ગૌરવ વધારે છે. તેમણે દીકરા-દીકરીના ભેદભાવથી દૂર રહીને સ્ત્રીભ્રુણ હત્યા, દહેજ પ્રથા જેવા દુષણોથી સમાજને મુક્ત કરવા સૌને અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલએ આ પ્રસંગે પર્યાવરણની સુરક્ષા માટે અને ગ્લોબલ વૉર્મિગ જેવી સમસ્યાઓથી મુક્તિ મેળવવા વૃક્ષારોપણ અને જળસંચય માટે સૌને આગ્રહ કર્યો હતો, તેમણે દાન, પુણ્ય અને ધર્મકાર્ય માટે ખર્ચાતા ધનની ગતિને સર્વોત્તમ ગણાવી પુસ્તકાલય જેવી શિક્ષણ સંસ્થાઓના નિર્માણ માટે આંજણા યુવક મંડળના સૌ સભ્યોને અભિનંદન પણ પાઠવ્યા હતા.

રાસાયણિક કૃષિના દુષ્પરિણામો તરફ આંગળી ચીંધતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનાં અંધાધુંધ ઉપયોગને કારણે જમીન વેરાન બનતી જાય છે. પર્યાવરણ પ્રદુષિત બન્યું છે. પ્રદુષિત ખાદ્યાન્નના ઉપયોગને કારણે કેન્સર, હ્રદય રોગ, ડાયાબિટીસ, કીડનીના રોગનું પ્રમાણ વધતું જાય છે. તેમણે રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવા પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં સાડા આઠ લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે.

રાજ્યપાલએ ઉમેર્યું હતુ કે, ગુજરાત પ્રાકૃતિક કૃષિ માટે પથદર્શક બનવાનું છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસ માટે પ્રથમ યુનિવર્સિટી હાલોલ ખાતે કાર્યરત થઈ છે. આ યુનિવર્સિટીથી નવીન સંશોધનો થકી પ્રાકૃતિક ખેતી માટે દરેકને પ્રેરણા મળે એવું કામ રાજ્યમાં થવાનું છે. પ્રાકૃતિક કૃષિથી પાક ઉત્પાદન ક્યારેય ઘટતું નથી, એવું સ્પષ્ટ જણાવી રાજ્યપાલશ્રીએ કહ્યું કે, જૈવિક કૃષિ અર્થાત ઓર્ગેનિક ફાર્મિગમાં શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે. રાજ્યપાલશ્રીએ કુરૂક્ષેત્રની 200 એકર જમીનમાં થઈ રહેલી પ્રાકૃતિક કૃષિ અને તેના ઉત્પાદનનું ઉદાહરણ આપી ઉપસ્થિત જનસમૂહને પ્રાકૃતિક કૃષિ  અપનાવવા અનુંરોધ કર્યો હતો.

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, જ્ઞાનની પરબ થકી નાગરિકોનું જીવન બદલાય છે, આ પ્રકારના વાંચનાલયથી જ્ઞાનના દરવાજા ખુલશે અને જ્ઞાનના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણનું કામ થશે. અધ્યક્ષએ  વધુમાં જણાવ્યું હતું કે, વાંચનાલયો સારા નાગરિક બનાવવાનું કાર્ય કરે છે, આજના સમાજ દ્વારા આ કાર્ય વિકસિત રાષ્ટ્રથી દીક્ષિત રાષ્ટ્રના નિર્માણનું માધ્યમ બનશે, તેમ જણાવી અધ્યક્ષશ્રીએ રાજ્યપાલશ્રીનો આ પ્રકારના કાર્યક્રમમાં આવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 1978થી સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે જાગૃતિનું કાર્ય કરતી આંજણા ચૌધરી સમાજની સંસ્થા આંજણા યુવક મંડળ, ગુજરાત રાજ્ય દ્વારા નવિન નિર્માણ પામેલ વાંચનાલયની પ્રેરણાદાયી શરૂઆત કરવામાં આવી છે. મહેસાણા ખાતે વાંચનાલય  માનવઆશ્રમ, વિસનગર રોડ પર કાર્યરત કરાયુ છે. પુસ્તકાલયના માધ્યમથી અનેક યુવાનો તેમના ભવિષ્ય નિર્માણના પથ માંડનાર છે.

આ પ્રસંગે વાંચનાલયના મુખ્ય દાતા હર્ષદભાઈ ચૌધરી અને રામીબેન ચૌધરીના પરિવારજનોનું સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત અન્ય દાતાઓ વિજયભાઇ ચૌધરી, મનુંભાઇ ચૌધરી, દશરથભાઇ ચૌધરી, શંકરભાઇ ચૌધરી સહિત ચૌધરી સમાજના તમામ દાતાશ્રીઓનું વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code